વડોદરા: ઈન્સ્યોરન્સ પોલિસી અને દુબઈના સોનાની લાલચ આપી મહિલા એજન્ટ સાથે છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: સુભાનપુરામાં રહેતા અને લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીના એડવાઈઝર તરીકે કામ કરતા બીનાબેને ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તારીખ 03/09/2026ના રોજ મારા સુરત સ્થિત મિત્ર હર્ષિલ દોશીનો ફોન આવ્યો હતો અને તેમણે તેમના મિત્ર પ્રિતેશ પંચાલને નવી ઈન્સ્યોરન્સ પોલિસી લેવી હોવાનું જણાવી તેમનો નંબર આપ્યો હતો. મેં પ્રિતેશ સાથે સંપર્ક કરતા તેમણે મને ગોત્રી દર્શનમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ખાતે મળવા બોલાવી હતી. ત્યાં પ્રિતેશ પંચાલ અને સુરજસિંઘ હાજર હતા. પ્રિતેશે પોતાની ઓળખ આપતા જણાવ્યું હતું કે તેના મામા નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર છે અને તેઓ દાહોદમાં સોના-ચાંદીનો વેપાર કરે છે.
મેં તેમને લાઈફ ઈન્સ્યોરન્સનો ગેરંટેડ પ્લાન સમજાવ્યો હતો, જે પ્લાન તેમને પસંદ આવ્યો હતો. પરંતુ પ્રિતેશે જણાવ્યું કે તેમની પાસે 5,65,000ની ઘટ પડે છે, જે રકમ અત્યારે હું ભરી દઉં તો તેઓ પોલિસી લેશે. તેમની વાતોમાં આવી જઈને મેં મારા, મારા ભાઈ રાજેશ, ભાભી બીના અને દીકરા સુકૃતના ગૂગલ પે એકાઉન્ટ મારફતે ટુકડે-ટુકડે કૂલ રુ. 5,65,000 પ્રિતેશ, સુરજસિંઘ અને સોનાલી પંચાલના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.
તે જ સમયે પ્રિતેશે મને એવી પણ લાલચ આપી હતી કે જો મારી પાસે જૂનું સોનું હોય તો આપવું, તે તેના બદલામાં મને દુબઈનું સોનું આપશે. જેથી હું તેની લાલચમાં આવી ગઈ અને બેંક લોકરમાંથી મારુ 310 ગ્રામ સોનું લાવીને આપી દીધું હતું. સોનાની ગુણવત્તા ટેસ્ટ કરાવવાના બહાને રાવપુરા લાલ કોર્ટ પાસે પ્રિતેશે મારી પાસેથી સોનું લઈ લીધું હતું અને મને ઓફિસે જવાનું કહી પોતે નાસી છૂટ્યો હતો.
ત્યારબાદ તેણે મને રૂ. 50 લાખ અને રૂ. 40 લાખના બેંક ઓફ બરોડા તથા ઈન્ડસઈન્ડ બેંકના ચેકો આપ્યા હતા, પરંતુ તે ચેકો પણ વટાયા નહોતા. મારૂં 310 ગ્રામ સોનું અને રોકડા 5,65,000 પરત માંગતા તે સતત અવનવા બહાના બતાવતો હતો. આ અંગે તેની બહેન સોનાલી પંચાલને વાત કરતા તેણે પણ ભાઈ સોનું અને પૈસા આપી દેશે તેમ કહી વિશ્વાસ આપ્યો હતો, પરંતુ આજદિન સુધી કશું પરત મળ્યું નથી. આ અંગે મેં ગોરવા પોલીસે પ્રિતેશ ઉર્ફે સોનુ મહેશભાઈ પંચાલ, સોનાલી મહેશભાઈ પંચાલ અને સુરજસિંઘ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે




