Baroda

વડોદરા કોર્પોરેશનના બજેટની તૈયારી : 5 વર્ષથી શરૂ નહીં થયેલા કામો બજેટમાંથી દૂર કરવા કોર્પોરેશનનો આદેશ

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 2026-27ના સુધારેલા અને 2027-28ના ડ્રાફ્ટ બજેટની તૈયારીઓ શરૂ કરી છે. હિસાબી શાખાએ તમામ વિભાગોને આવક-ખર્ચના આંકડા અને નવા વિકાસકામોની યાદી સમયસર રજૂ કરવા પરિપત્ર કર્યો છે. ખાસ કરીને, મંજૂરી વગરના કામો કે ખર્ચનો બજેટમાં સમાવેશ નહીં કરવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. પાંચ વર્ષથી શરૂ ન થયેલા કામોની સમીક્ષા કરી બજેટમાંથી દૂર કરવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનના બજેટની તૈયારી : 5 વર્ષથી શરૂ નહીં થયેલા કામો બજેટમાંથી દૂર કરવા કોર્પોરેશનનો આદેશ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામી બજેટની તૈયારીઓ શરૂ થતાં હિસાબી શાખા દ્વારા તમામ વિભાગોને પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. વર્ષ 2026-27ના સુધારેલા અંદાજપત્ર અને વર્ષ 2027-28ના ડ્રાફ્ટ અંદાજપત્રની તૈયારી માટે આવક-ખર્ચના આંકડા, નવા વિકાસકામોની યાદી અને વિવિધ વિગતો સમયમર્યાદામાં રજૂ કરવા જણાવાયું છે. ખાસ કરીને મંજૂરી વગરનાં કામો કે ખર્ચનો બજેટમાં સમાવેશ નહીં કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બજેટમાં જોગવાઈ કર્યા સિવાય કોઈપણ કામ પાછળ ખર્ચ નહીં કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
પરિપત્રમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની સૂચનાથી ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ મહત્ત્વની સૂચના આપતાં છેલ્લા પાંચ વર્ષથી શરૂ ન થયેલા અથવા શરૂ થવાની શક્યતા ન હોય તેવા કામોની સમીક્ષા કરવા જણાવાયું છે. વિભાગના અધિકારીઓએ આવા કામોની યાદી તપાસીને જરૂર જણાય તો તેને બજેટમાંથી દૂર કરવાના રહેશે. આ ઉપરાંત જે કામો પૂર્ણ થવાની શક્યતા ન હોય તેને કારણ વગર આગામી વર્ષોમાં ચાલુ રાખીને ખર્ચનું ભારણ વધારવું નહીં તેવી પણ સૂચના અપાઈ છે.
તમામ વિભાગોએ વર્ષ 2026-27ના મંજૂર બજેટ સામે એપ્રિલથી નવેમ્બર સુધીની વાસ્તવિક આવક અને ડિસેમ્બરથી માર્ચ સુધીની સંભવિત આવકના આધારે સુધારેલો અંદાજ તૈયાર કરવાનો રહેશે. જ્યારે વર્ષ 2027-28 માટેનો આવકનો ડ્રાફ્ટ અંદાજ પણ રજૂ કરવાનો રહેશે. સામાન્ય કર, પાણી કર, અન્ય કર, વાહનવેરા સહિતની આવકની વિગતો તેમજ ખર્ચના આંકડા, કમિશનરની બજેટ સ્પીચ, પ્રેઝન્ટેશન અને ચાલુ કામોની ચકાસણી કરીને નવી કામગીરીની યાદી તૈયાર કરવા જણાવાયું છે.
કોર્પોરેશનની હદમાં વિકાસ માટે જરૂરી હોય તેવા નવા કામોની ઓળખ કરીને તેનો બજેટમાં સમાવેશ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી છે. હવે તમામ વિભાગોએ પોતાની બજેટની વિગતો તૈયાર કરીને હિસાબી શાખામાં રજૂ કરવાની રહેશે.
બજેટમાં મહેકમની વિગતોમાં ભૂલો ન થાય તે માટે કોર્પોરેશનની તાકીદ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2027-28ના ડ્રાફ્ટ બજેટની તૈયારીના ભાગરૂપે એસ્ટાબ્લિશમેન્ટ શિડ્યૂલ (મહેકમ પત્રક) તૈયાર કરવા તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે. અગાઉની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે રીતે મહેકમની વિગતો રજૂ કરવા જણાવાયું છે. તેમાં કાયમી, હંગામી તેમજ ગ્રાન્ટમાંથી પગાર મેળવતા કર્મચારીઓનો જ સમાવેશ કરવાનો રહેશે. અગાઉ બજેટમાં જગ્યા મંજૂર દર્શાવી હોય પરંતુ વાસ્તવિક મંજૂરી ન મળી હોય તેવી જગ્યાઓનો સમાવેશ નહીં કરવા સ્પષ્ટ કરાયું છે.
એક શિડ્યૂલમાંથી બીજા શિડ્યૂલમાં જગ્યા તબદીલ થઈ હોય તો જૂના શિડ્યૂલમાંથી તેટલી જગ્યા રદ કરવાની રહેશે. ખાલી જગ્યાઓની યાદી અલગથી આપવી પડશે. મેડિકલ એલાઉન્સ મેળવતા કર્મચારીઓની સંખ્યા જ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત નવા વિસ્તારો માટે જરૂરી મહેકમ અને તેના પગાર ખર્ચની જોગવાઈની વિગતો પણ બજેટમાં સામેલ કરવા જણાવાયું છે.