વડોદરા: તાઈવાનમાં નોકરી મેળવવા ગયેલા યુવકને 40 હજાર ડોલરનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: તાઈવાનમાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી વડોદરાની ભેજાબાજ મહિલાએ મહારાષ્ટ્રના યુવક પાસેથી સાડા પાંચ લાખ પડાવી લીધા હતા. ઠગ મહિલાના કારણે 60 દિવસ સુધી તાઇવાનમાં ગેરકાયદે રોકાયેલા યુવકને 40 હજાર તાઇવાન ડોલરનો દંડ ચૂકવવો પડયો હતો.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના ચરીનાકા સંભવી રો હાઉસમાં રહેતા સાગર સુંદરભાઇ પુજારીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, માર્ચ 2026થી ઓનલાઇન જોબ માટે હું તથા મારી પત્ની ઇન્ટરનેટ પર સર્ચ કરતા હતા. તે દરમિયાન તાઇવાનમાં વર્ક પરમિટ વિઝા માટે બાલાજી વિંગ બેન્કર હોસ્પિટલની બાજુમાં, ન્યુ વી.આઇ.પી. રોડ ખાતે ઓફિસ ધરાવતા શ્રેયાંસી જોશી સાથે સંપર્ક થયો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ નોકરી અપાવે છે, તેમજ એલાઇન્સ રેસિડેન્સ સર્ટિફિકેટ ( ARC) પણ કઢાવી આપે છે. મને આ બાબતે રસ પડતા 21 હજાર પ્રોસેસ ફી આપી હતી. મેં સાડા પાંચ લાખના ચેક આપ્યા હતા.
તેઓએ 14 દિવસના વિઝા આપતા હું તા. 30-06-2026 ના રોજ તાઇવાન ગયો હતો. વડોદરાની મહિલાએ મને બે થી ત્રણ દિવસમાં જોબનું થઇ જશે,તેવું કહ્યું હતું. 14 દિવસમાં પણ મને જોબ નહીં મળતા મેં શ્રેયાંસીને કહ્યું કે, હું ગેરકાયદે રહું છું, તમે કંઇ કરો.તેમણે એવો જવાબ આપ્યો કે, વિઝા વધારવાના પ્રોસેસ કરી છે. તમે હાલ ત્યાં રોકાવ, વિઝા મળી ગયા પછી સળંગ સમય ગણી નાખશે, તમે ચિંતા ના કરો. તેઓએ 60 દિવસના વિઝા મોકલ્યા હતા. તે દરમિયાન પણ નોકરી મળી નહતી.
હોટલનું બુકીંગ અને જમવાનું બંધ થઇ જતા હું તા. 28-09-2026ના રોજ તાઇવાન એરપોર્ટ પર સરન્ડર થઇ ગયો હતો. ત્યાં મને ઇમિગ્રેશન ઓફિસે ઇન્ટ્રોગેશન રૂમમાં પૂછપરછ માટે લઇ ગયા હતા. ત્યાં મને જાણવા મળ્યું હતું કે, હું ફક્ત 14 દિવસ સુધી જ કાયદેસર રીતે રહેતો હતો. ત્યારબાદ ઠગ મહિલા દ્વારા મોકલાવવામાં આવેલી આર.ઓ.સી. ખોટી હતી. તેઓએ મને 1.20 લાખ ( 40 હજાર તાઇવાન ડોલર)નો દંડ ભરાવ્યો હતો. તેઓએ ત્રણ વર્ષ સુધી તાઇવાનમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તે પછી હું ભારત પરત આવી ગયો હતો. વારસિયા પોલીસે વિક્ટોરિયા વિઝન કંપીનીના શ્રેયાંસી જૌશી અને વિનીત શાહ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




