૮.૨૮ કરોડના સાડા પાંચ કિલો વજનના દાગીના હડપ કરી લીધાના પાંચ જ મિનિટમાં જ આરોપીનો મોબાઇલ સ્વીચ ઓફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સ નામની દુકાન ભાડે લેનાર ભેજાબાજ ગઠિયાએ તેના સાગરીતો સાથે ષડયંત્ર રચી મુબઇથી દાગીના આપવા આવેલા ગોલ્ડ કંપનીના સેલ્સ મેનેજરની નજર ચૂકવીને ૮.૨૮ કરોડના દાગીના તફડાવી લીધા હતા. દાગીના આવી ગયાનો મેસેજ મળતા જ દુકાનદારે બહાર નીકળી પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.
મુંબઈના ઝવેરી બજાર ખાતે આવેલી શુગન ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હિમાંશુ મહેશ જૈને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ ડાકોરમાં સોનીની દુકાન ચલાવતા ભાવિક દિપેશભાઇ સોની (રહે. નવો કુંભારવાડા,છીકણીવાળું ડેલુ, ડાકોર, ખેડા) સાથે વેપાર કર્યો હોઇ તેને ઓળખું છું. તેણે વાઘોડિયારોડ પર નવી દુકાન શરૃ કરી હોઇ તેણે આપેલા ઓર્ડર મુજબ હું ૮.૨૮ કરોડના કુલ ૫૫૦૦.૫૧૦ ગ્રામ (૫ કિલો ૫૦૦ ગ્રામ ૫૧૦ મિલીગ્રામ) સોનાના દાગીના ભરેલી બે બેગ લઈને મારા મિત્ર વિધાન જૈન સાથે ગાડીમાં વડોદરા તેની દુકાને આવ્યો હતો. મારો ભાઈ નીલ જૈન પણ આણંદથી ત્યાં આવી પહોંચ્યો હતો.
જમવાનો સમય થતાં ભાવિક સોનીએ મારા દાગીના ભરેલી બંને બેગ તેની દુકાનની રખેવાળીમાં સુરક્ષિત મૂકાવી દીધી હતી અને દુકાનને તાળું મારી ચાવી પોતાની સાથે રાખી મારા ભાઈ નીલ સાથે બાજુની હોટલમાં જમવા ગયો હતો. હું દુકાનની બહાર ઉભો હતો. મારે વોશ રૃમ જવું હોઇ બાજુની દુકાને ગયો હતો. તે દરમિયાન મારા દાગીના ચોરી થઇ ગયા હતા. આ ઘટના અંગે ડીસીપી એન્ડ્રુઝ મેકવાનની સૂચના મુજબ, પી.આઇ. ડી. ડી. લાડુમોરે અલગ - અલગ ટીમ બનાવી સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું હતું કે, દાગીના ભરેલી બેગ લઇને બે આરોપીઓ ટુ વ્હીલર પર ભાગ્યા હતા. જ્યારે હોટલમાંથી ભાવિક સોની હાથ ધોવાના બહાને બહાર નીકળી જઇ રિક્ષામાં ભાગ્યો હતો. તેઓ હાઇવે સુધી ગયા હતા. ત્યારબાદ આગળનું લોકેશન હજી મળતું નથી.




