Baroda

માહિતી અધિકારીઓનાં નામ, હોદ્દા અને સંપર્કની વિગતો જાહેર કરવા લોક અધિકાર મંચની માગ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા: લોક અધિકાર મંચ ભારતના મહેશ સોલંકીની આગેવાનીમાં સામાજિક કાર્યકરોએ ગુજરાતના કલેક્ટરો મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું. સરકારી સંસ્થાઓમાં કાયદાભંગ, ગેરવહીવટ અને ખાનગી શાળાઓની કામગીરી સુધારવા માંગ કરાઈ. માહિતી અધિકાર અને શિક્ષણના કાયદાઓનું યોગ્ય પાલન, પારદર્શિતા જાળવવા તેમજ ખાનગી શાળાઓમાં શિક્ષકોની લાયકાત અને ફી નિર્ધારણ પર દેખરેખની માંગણી કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

માહિતી અધિકારીઓનાં નામ, હોદ્દા અને સંપર્કની વિગતો જાહેર કરવા લોક અધિકાર મંચની માગ

Vadodara News : ગુજરાતમાં સરકારી જાહેર સંસ્થાઓમાં કાયદાના કથિત ભંગ, ગેરવહીવટ અને ખાનગી શાળાઓની કામગીરી સામે લોક અધિકાર મંચ ભારતના આગેવાન મહેશ સોલંકીની આગેવાનીમાં ગઈકાલે સામાજિક કાર્યકરો એકત્ર થયા હતા અને ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરો મારફતે રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં માહિતી અધિકાર અધિનિયમ-2005, ગુજરાત જાહેર સેવા સંબંધિત કાયદા-નિયમો તથા શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 સહિતના કાયદાઓનું યોગ્ય રીતે પાલન કરાવવાની માગ કરવામાં આવી છે.
સંગઠનના જણાવ્યા મુજબ, વિવિધ સરકારી કચેરીઓ અને જાહેર સેવા સત્તા મંડળોમાં માહિતી અધિકારીઓની કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. દરેક જાહેર સંસ્થામાં માહિતી અધિકારીનું નામ, હોદ્દો, ફોન નંબર, કચેરીનું સરનામું, બેઠક વ્યવસ્થા અને ઇમેઇલ સરનામું દર્શાવતાં જાહેર માહિતી બોર્ડ મૂકવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત, માહિતી અધિકારીઓને મળતી અરજીઓની નોંધણી માટે સરકારના નિયમો અનુસાર વિવિધ રજિસ્ટરો નિયમિત રીતે તૈયાર કરવામાં આવે અને તેની જાળવણી થાય તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં ઉમેર્યું કે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીઓ દ્વારા માન્યતા આપવામાં આવેલી ખાનગી શાળાઓનું નિયમિત વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવે અને તેના અહેવાલ તૈયાર કરવામાં આવે તેવી માગ કરાઈ છે. જે શાળાઓ માન્યતાની શરતો અને સરકારના નિયમોનું પાલન કરતી ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. અપૂરતી કે જરૂરી લાયકાત ન ધરાવતા શિક્ષકોની નિમણૂકને કારણે બાળકોના શૈક્ષણિક વિકાસને નુકસાન થઈ શકે છે. બીજી તરફ, જરૂરી લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓને શિક્ષક તરીકે રોજગારીની તકોથી વંચિત રહેવું પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શાળાઓમાં શિક્ષકોની લાયકાતની ચકાસણી અને નિયમોના પાલન માટે અસરકારક દેખરેખ રાખવાની માગ કરાઈ છે.
સાથે જ ફી નિર્ધારણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની ભૂમિકા અંગે પણ તપાસ કરીને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ખાનગી શાળાઓની ફીના ભારણને કારણે વાલીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનો મુદ્દો રજૂ કરીને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને યોગ્ય દિશાનિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે.