વડોદરાથી અંકલેશ્વર સુધીના હાઈવે પર માર્ગ નિર્માણની કામગીરીમાં સૂચના બોર્ડ, ડાયવર્ઝન બોર્ડનો અભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાથી અંકલેશ્વર સુધીના દિલ્હી-મુંબઈ હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને માર્ગ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવાની માંગ ઉઠી છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરીને માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન વાહનચાલકોની સુરક્ષા માટે જરૂરી સૂચના બોર્ડ, ડાયવર્ઝન બોર્ડ તેમજ વર્ક પ્રોગ્રેસ બોર્ડ તાત્કાલિક ધોરણે લગાવવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વડોદરાથી અંકલેશ્વર સુધીના દિલ્હી-મુંબઈ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભરુચથી અંકલેશ્વર સુધીના માર્ગ પર હાલ માર્ગ નિર્માણ અને અન્ય કામગીરી ચાલી રહી છે. જોકે, કામગીરી ચાલી રહી હોવા છતાં સ્થળ પર વાહન ચાલકોને સાવચેત કરવા માટે પૂરતાં સૂચના બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. પરિણામે વાહન ચાલકોને રસ્તાની વાસ્તવિક સ્થિતિ, આગળ ચાલી રહેલી કામગીરી અને માર્ગમાં કરવામાં આવેલા ફેરફારો અંગે યોગ્ય જાણકારી મળતી નથી. હાઈવે પર વાહનોની અવરજવર સતત રહેતી હોય છે. તેમાં પણ ભારે વાહનો અને ઝડપી ગતિએ પસાર થતાં વાહનોના કારણે અકસ્માતનું જોખમ વધુ રહે છે. આવા સંજોગોમાં માર્ગ પર જ્યાં બાંધકામ કે સમારકામની કામગીરી ચાલી રહી હોય ત્યાં અગાઉથી ચેતવણી આપતાં બોર્ડ લગાવવાં અત્યંત જરૂરી છે. ડાયવર્ઝન ક્યાંથી લેવાનું છે, આગળ રસ્તો બંધ છે કે નહીં, વાહનની ગતિ કેટલી રાખવી અને કઈ દિશામાં આગળ વધવું તે અંગે સ્પષ્ટ સૂચનાઓ ન હોવાથી વાહનચાલકો મૂંઝવણમાં મુકાય છે. ખાસ કરીને રાત્રિના સમયે અને ધુમ્મસભર્યા વાતાવરણમાં આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે.
રજૂઆતમાં સંબંધિત તંત્રને તાત્કાલિક અસરથી જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલી બનાવવાની માંગ કરવામાં આવી છે. માર્ગ નિર્માણની કામગીરીના સ્થળે વર્ક પ્રોગ્રેસ બોર્ડ લગાવવામાં આવે, જેથી વાહનચાલકોને આગળ કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે તેની જાણ થઈ શકે. આ ઉપરાંત ડાયવર્ઝન બોર્ડ અને ચેતવણીના બોર્ડ યોગ્ય અંતરે લગાવવામાં આવે તથા રાત્રિના સમયે પણ સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા અને નિર્દોષ નાગરિકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈને વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.




