વડોદરા: ખંડેરાવ માર્કેટ ખાતે રસ્તા વચ્ચે જ ભરાતું ગેરકાયદે ફૂલ બજાર! કોર્પોરેશનની દબાણ શાખાની કામગીરી સામે સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Illegal Encroachment: વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની જવાબદારી સંભાળતી કોર્પોરેશનની દબાણ શાખાની કામગીરી સામે જ સવાલો ઊભા થયા છે. શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગની વચ્ચોવચ ફૂલોનું ગેરકાયદે બજાર ભરાઈ રહ્યું છે. કોર્પોરેશનની વડી કચેરી આવેલી હોય તે જ વિસ્તારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની સ્થાનિકોમાં નારાજગી છે.
ખંડેરાવ માર્કેટ ખાતે રસ્તા વચ્ચે જ ભરાતું ગેરકાયદે ફૂલ બજાર!
શહેરની ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર વહેલી સવારથી જ આશરે 60 વેપારીઓ મુખ્ય માર્ગ પર ફૂલોના પથારા લગાવીને વેપાર કરે છે. સવારે 9 વાગ્યા સુધી રસ્તાની વચ્ચોવચ બજાર ધમધમતું રહે છે. વેપારીઓ રસ્તા પર ફૂલોનું વેચાણ કરે છે, જ્યારે ખરીદી કરવા આવતા ગ્રાહકો પણ રસ્તાની વચ્ચે જ પોતાનાં વાહનો પાર્ક કરે છે. પરિણામે મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાય છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક રહીશો માટે પણ અવરજવર મુશ્કેલ બની છે.
દબાણ શાખાને પોતાની જ વડી કચેરીની આસપાસનાં દબાણો
શહેરના ખૂણે-ખૂણે દબાણો શોધવા નીકળતી દબાણ શાખાને પોતાની જ વડી કચેરીની આસપાસનાં દબાણો કેમ દેખાતાં નથી, તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક વેપારીઓ શહેર બહારથી આવીને મુખ્ય માર્ગ પર વાહનો ઊભાં રાખી ફૂલોનો વેપાર કરે છે. વર્ષોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરવામાં આવે છે, પરંતુ સ્થિતિમાં કોઈ કાયમી સુધારો જોવા મળતો નથી.
નવાઈની વાત તો એ છે કે, મીડિયા સાથેની વાતચીતમાં એક વેપારીએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો કે કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી વાહન ચાલકની રહેશે, વેપારીઓની નહીં. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ બીજા જ દિવસે ફરી રસ્તા પર ફૂલ બજાર યથાવત જોવા મળે છે. વારંવારની કાર્યવાહી છતાં દબાણો ફરી ઊભાં થઈ જતાં દબાણ શાખાની કામગીરી અને દેખરેખ સામે સવાલો ઊભા થયા છે.




