વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં ફટાકડા ફોડવાના મુદ્દે જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ, એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Medical Student Ragging : વડોદરાની જીએમઈઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓનું ફટાકડા ફોડવા બાબતે રેગિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ નેશનલ મેડિકલ કમિશન સમક્ષ કરવામાં આવ્યા બાદ મેડિકલ કોલેજના સત્તાધીશો દોડતા થઈ ગયા છે.
એવું પણ કહેવાય છે કે, ભોગ બનનાર વિદ્યાર્થી પૈકીના એકે તો હોસ્ટેલ પરથી કૂદવાનો પણ પ્રયાસ કર્યો હતો અને અન્ય એક વિદ્યાર્થીએ તેને અટકાવ્યો હતો. જોકે કોલેજ સત્તાધીશો આ બાબતનો ઈનકાર કરી રહ્યા છે.
મળતી જાણકારી અનુસાર કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓએ કમિશનમાં સીધી ફરિયાદ કરી છે. જે અનુસાર મેડિકલ કોલેજના પરિસરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેને લઈને ચોથા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ તપાસ શરૂ કરી હતી અને હોસ્ટેલમાં જ રહેતા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓ પર ફટકડા ફોડવાનો આરોપ મૂકયો હતો. જુનિયર વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડયા હોવાનો ઈનકાર કરતા ઉશ્કેરાયેલા સિનિયર વિદ્યાર્થીઓએ તેમના પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેમને ઉભા રહેવાની સજા કરી હતી.
આ ફરિયાદ બાદ નેશનલ મેડિકલ કમિશને ગોત્રી કોલેજના સત્તાધીશોને ફરિયાદ મોકલી આપી હતી. જેની તપાસ હવે શરૂ કરવામાં આવી છે. આજે મેડિકલ કોલેજના ડીન વિશાલા પંડ્યાએ એન્ટી રેગિંગ કમિટિની બેઠક પણ બોલાવી છે.
બીજી તરફ ભોગ બનનાર વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજના સત્તાધીશોએ ઘરે મોકલી દીધા છે. બીજી તરફ કમિટિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંને પક્ષના વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવશે.
જોકે ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓનો આક્ષેપ છે કે, ત્રાસ ગુજારનાર વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.




