તારા પૈસા પાછા આપવાના નથી, તારાથી થાય તે કરી લેજે...!! સ્ક્રેપના વેપારના નામે રૂ.41.50 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : વડોદરામાં મકરપુરા જી.આઈ.ડી.સી. ખાતે 'બારાહી સ્ટીલ એન્ટરપ્રાઈઝ' નામે સ્ક્રેપનો વેપાર કરતા રાજેન્દ્ર કુમાર કિશોરી ગીરીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એપ્રિલ 2026માં મારા મિત્ર રાજીવભાઈ ચૌહાણે મને વાત કરી કે તેમના પરિચિત દ્રોણ પટેલ અને તેમના પિતા હેમંતકુમાર પટેલે ભરૂચના આમોદ તાલુકાના સુડી ગામે બંધ પડેલી 'બ્લેક ડાયમંડ રિસોર્સીસ' કંપનીની જમીન અને ત્યાં પડેલો સ્ક્રેપ ખરીદ્યો છે. જો મારે તે સ્ક્રેપ ખરીદવો હોય તો તેઓ મુલાકાત કરાવી આપશે.
ત્યારબાદ હું અને મારા મિત્ર રાજીવભાઈ સુડી ગામે સ્થળ પર સ્ક્રેપ જોવા ગયા, જ્યાં મારી મુલાકાત દ્રોણ પટેલ, તેમના પિતા હેમંતકુમાર ચંદ્રવદનભાઈ પટેલ અને માતા સીમાબેન સાથે થઈ હતી. માલ પસંદ પડતાં અમે સનફાર્મા રોડ સ્થિત તેમના નિવાસસ્થાને બેઠક કરી, જ્યાં અંદાજે 700 ટન સ્ક્રેપનો ભાવ પ્રતિ કિલો રૂ.30 લેખે નક્કી થયો. સીમાબેને મને પૂરો ભરોસો અપાવ્યો અને એગ્રીમેન્ટ કરી આપવાની ખાતરી આપી. તેમના પર વિશ્વાસ મૂકીને મેં તેમની 'ઈશ ચેન ગેન પ્લાસ્ટેક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.' કંપનીના ખાતામાં તા.13 અને 18 એપ્રિલના રોજ મળી કુલ રૂ.51,50,000 ટોકન પેટે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા અને ખરીદીનો એગ્રીમેન્ટ કર્યો.
પરંતુ, જ્યારે ત્રણ દિવસ પછી મેં માલ ઉપાડવા માટે ત્રણ ગાડીઓ મોકલી, ત્યારે દ્રોણ પટેલે જમીન માલિક સાથે વિવાદ ચાલતો હોવાનું બહાનું કાઢી ગાડીઓ પરત મોકલાવી દીધી. અઠવાડિયાઓ સુધી માત્ર વાયદા મળતા હોવાથી મેં મારા ટોકનના પૈસા પરત માંગ્યા. હેમંતભાઈએ રૂ.51.50 લાખનો ચેક આપ્યો જે બાઉન્સ થયો. ત્યારબાદ તેમણે કટકે-કટકે રૂ.10 લાખ પરત કર્યા, પરંતુ બાકીના રૂ.41.50 લાખ માટે તેઓ સતત ગલ્લાંતલ્લાં કરતા રહ્યા.
અંતે જ્યારે હું તેમના ઘરે ઉઘરાણી કરવા ગયો, ત્યારે ત્રણેયે સ્પષ્ટ કહી દીધું કે "તારા પૈસા પાછા આપવાના નથી, તારાથી થાય તે કરી લેજે."




