Baroda

રાજકોટમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વડોદરાના ચાર ખેલાડીઓએ મેડલ જીત્યા

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના 16 વર્ષીય વેઇટલિફ્ટર દીપેશ કલ્પેશ અહીરે રાજકોટ ખાતે યોજાયેલી SGFI રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ મેડલ જીતી શહેરનું ગૌરવ વધાર્યું છે. તેણે અંડર-17 કેટેગરીમાં કુલ 141 કિલો વજન ઉંચકી આ સિદ્ધિ મેળવી. હવે તે નવેમ્બરમાં મણિપુરમાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. વડોદરાના અન્ય 3 ખેલાડીઓએ પણ મેડલ જીત્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વડોદરાના ચાર ખેલાડીઓએ મેડલ જીત્યા

Vadodara News : વડોદરાના 16 વર્ષીય વેઇટલિફ્ટર દીપેશ કલ્પેશ અહીરે ત્રણ વર્ષની સતત મહેનત અને તાલીમ બાદ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SGFI)ની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. રાજકોટના એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 12થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં દીપેશે અંડર-17 કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે તે નવેમ્બરમાં મણિપુર ખાતે યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં વડોદરાના અન્ય ત્રણ ખેલાડીઓએ પણ અલગ-અલગ વજન વર્ગમાં મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે.
ધોરણ 11માં અભ્યાસ કરતા દીપેશે કુલ 141 કિલો વજન ઊંચક્યું હતું. જેમાં સ્નેચમાં 64 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 77 કિલો વજનનો સમાવેશ થાય છે. આ સફળતા પાછળ તેની ત્રણ વર્ષની મહેનત, નિયમિત તાલીમ અને શિસ્ત મહત્ત્વપૂર્ણ રહ્યાં છે. આ અગાઉ ચાલુ વર્ષે સુરત ખાતે યોજાયેલી રાજ્ય વેઇટલિફ્ટિંગ એસોસિએશનની સ્પર્ધામાં પણ દીપેશે સુવર્ણ મેડલ મેળવ્યો હતો.

6.jpg


મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા દીપેશ માટે અભ્યાસ અને રમતગમત વચ્ચે સંતુલન જાળવવું સરળ નથી. તે સવારે શાળાએ જાય છે, સાંજે ટ્યુશન અને વેઇટલિફ્ટિંગની તાલીમ લે છે. એસએજીના કોચ સન્ની બાવચાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવતો દીપેશ ઘરે પરત ફર્યા બાદ ગૃહકાર્ય પૂર્ણ કરીને અભ્યાસ પણ કરે છે. વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ વેઇટલિફ્ટિંગમાં કારકિર્દી બનાવવાની અને દેશ માટે મેડલ જીતવાની તેની મહત્ત્વાકાંક્ષા અડગ છે. ત્રણ વર્ષની મહેનત બાદ મળેલું SGFIનું સુવર્ણ મેડલ તેની રમતગમતની સફરમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બન્યું છે.
રાજકોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરાના અન્ય ત્રણ ખેલાડીઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. 79 કિલો વજન વર્ગમાં અશોક રબારીએ સિલ્વર મેડલ, 98 કિલો વજન વર્ગમાં આદિત્ય રાજે બ્રોન્ઝ મેડલ અને 56 કિલો વજન વર્ગમાં જિશાન પરમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ચારેય ખેલાડીઓ એસએજીના કોચ સન્ની બાવચાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવે છે.
વડોદરાના ચાર ખેલાડીઓની આ સફળતા સતત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. દીપેશ હવે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ માટે મેડલ જીતવાનું સપનું સાકાર કરવા આતુર છે.