Baroda

વડોદરામાં ખોરાક શાખા દ્વારા આઈસ્ક્રીમની દુકાનો તથા હાઇવે પરની હોટલો પર ધનિષ્ઠ ચેકિંગ

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં પાલિકાના આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. દુકાનદારોને બોર્ડ લગાવવા સૂચના અપાઈ છે. ગ્રાહકોને યોગ્ય માહિતી મળે તે હેતુથી આ કાર્યવાહી થઈ રહી છે. 2 ઢાબા લાયસન્સ વગર ચાલતા હોવાથી બંધ કરાવાયા હતા. આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે બેઠક યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ખોરાક શાખા દ્વારા આઈસ્ક્રીમની દુકાનો તથા હાઇવે પરની હોટલો પર ધનિષ્ઠ ચેકિંગ

Vadodara Food Safety : વડોદરા શહેરમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણને લઈને ગ્રાહકોમાં જાગૃતિ આવે અને બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય તે હેતુથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જોકે, દુકાન સંચાલકોને આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટના વેચાણ અંગેના બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી હોવા છતાં અનેક વેપારીઓ સ્વૈચ્છિક રીતે બોર્ડ લગાવવામાં રસ દાખવતા નથી. જેના પગલે આરોગ્ય વિભાગની કામગીરી વધી ગઈ છે.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવમાં સરખાં લાગતાં હોવા છતાં બંનેની બનાવટમાં વપરાતા ઘટકો અલગ હોય છે. આઈસ્ક્રીમમાં દૂધની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિજન્ય ચરબીનો ઉપયોગ થઈ શકે છે. આથી ગ્રાહકોને તેઓ કઈ વસ્તુ ખરીદી રહ્યા છે? તેની સ્પષ્ટ જાણકારી મળે તે જરૂરી છે. ગ્રાહકને યોગ્ય માહિતી આપવાની જવાબદારી વેપારીઓની પણ છે.
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની આઈસ્ક્રીમની દુકાનો ઉપરાંત હાઇવે પર આવેલી હોટલો અને ખાણીપીણીનાં સ્થળોએ પણ સઘન ચેકિંગની ઝુંબેશ આગળ વધારવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, સંગ્રહ કરવાની પદ્ધતિ તેમજ જરૂરી લેબલિંગ સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, માત્ર ચેકિંગ કરીને સંતોષ માનવાને બદલે નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. ગ્રાહકોને આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચવામાં આવે નહીં અને ખરીદી વખતે કોઈ ગેરસમજ ઊભી ન થાય તે માટે દરેક દુકાનમાં સ્પષ્ટ અને વાંચી શકાય તેવા બોર્ડ લગાવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. આરોગ્ય વિભાગની ઝુંબેશ સતત ચાલુ રહે અને વેપારીઓ નિયમોનું પાલન કરે તો ગ્રાહકોના હિતનું યોગ્ય રક્ષણ થઈ શકે તેમ છે.
કાલે પાલિકામાં આઇસ્ક્રીમના ડિસ્ટ્રીબ્યુટર્સ અને સ્થાનિક ઉત્પાદકોની બેઠક
શહેરમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણ અંગેના નિયમોના અમલને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાલે આઈસ્ક્રીમના ડિસ્ટ્રીબ્યુટર્સ અને સ્થાનિક ઉત્પાદકો સાથે બેઠક યોજવામાં આવશે. બેઠકમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત દર્શાવતા બોર્ડ દુકાનોમાં લગાવવા, ગ્રાહકોને યોગ્ય માહિતી આપવા તેમજ ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. વેપારીઓ અને ઉત્પાદકોને નિયમોની સમજ આપી તેના યોગ્ય અમલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે. બેઠક બાદ આરોગ્ય વિભાગ ચેકિંગ ઝુંબેશને વધુ સઘન બનાવી શકે છે.
લાઇસન્સ નહીં હોવાથી બે ઢાબા બંધ કરાવાયા
પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે હાઈવેની રેસ્ટોરન્ટ અને ઢાબામાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વાઘોડિયા ચોકડી ખાતે આવેલ અક્ષર અને બાબા રામદેવ ઢાબા પાસે ફૂડ અંગેનું લાઇસન્સ ન હોવાથી બંને ઢાબા બંધ કરાવવામાં આવ્યા હતા. તેઓના સંચાલકોને તાત્કાલિક ધોરણે એફએસએસએઆઈ અંતર્ગત લાઇસન્સ પ્રક્રિયા કરવાની સૂચના આપવામાં આવી હતી.