વડોદરા: ફાફડા-જલેબીની દુકાનો પર ફૂડ વિભાગનું ચેકિંગ, મોબાઈલ ટેસ્ટિંગ વાન હોવા છતાં લોકો ખાઈ લીધા પછી આવશે રિપોર્ટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Food Department Fafda Jalebi Checking: વડોદરા શહેરમાં આવતીકાલે મંગળવાર(20 ઓક્ટોબર) દશેરા પર્વની ઉજવણી સાથે જલેબી-ફાફડાની મિજબાની માણવા સ્વાદરસિકો તૈયાર છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જલેબી-ફાફડાના વેચાણ માટે ઠેરઠેર મંડપો ઊભા થઈ ગયા છે. દશેરાના દિવસે લાખો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થવાની શક્યતા વચ્ચે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જળવાય તે જરૂરી છે. જો કે, કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતા નમૂનાના અહેવાલ સામાન્ય રીતે 15 દિવસ પછી મળતા હોવાથી તહેવારના દિવસે લોકો જે ખાદ્ય પદાર્થો આરોગશે તેની ગુણવત્તા અંગે તાત્કાલિક ખાતરી મેળવવી મુશ્કેલ બને છે.
ફાફડા-જલેબીના પંડાલો-દુકાનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ
દશેરા પર્વને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમોએ આજે(19 ઓક્ટોબર) શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. રેસ્ટોરન્ટ, દુકાનો અને જલેબી-ફાફડાના વેચાણ માટે ઊભા કરાયેલા મંડપોમાં ચેકિંગ કરીને ફાફડા અને જલેબીના નમૂના લેવામાં આવ્યા હતા. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવે છે, પરંતુ તેના અહેવાલ મળતાં સમય લાગે છે. પરિણામે તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સમયસર જાણકારી મેળવવાનો સવાલ ઊભો થાય છે.
રિપોર્ટમાં 15 દિવસ લાગવાથી સમયસર કાર્યવાહી કરવાનો પડકાર
ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરી શકાય તે માટે મોબાઇલ ટેસ્ટિંગ વાનની સુવિધા ઉપલબ્ધ છે. તેના દ્વારા તપાસ કરવામાં આવે તો સ્થળ પર જ પ્રાથમિક પરિણામ મેળવી શકાય છે. તેમ છતાં, મોબાઇલ વાન દ્વારા પૂરતા પ્રમાણમાં તપાસ થઈ રહી ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે.
બીજી તરફ, પરંપરાગત રીતે લેવામાં આવતા નમૂનાના અહેવાલ આવતાં લગભગ 15 દિવસનો સમય લાગતો હોવાથી તહેવારના દિવસે વેચાઈ ગયેલા ફાફડા અને જલેબીની ગુણવત્તા અંગે સમયસર કાર્યવાહી કરવાનો પડકાર રહે છે.




