ભાયલી ખાતે રસ્તા બનાવવામાં આવતા વિવાદ : બિલ્ડરને ફાયદો કરી આપવાનો કારસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : ભાયલી વિસ્તારમાં રસ્તાનાં કામોમાં અધિકારીઓ અને બિલ્ડર્સ-ડેવલપર્સ વચ્ચે મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરીને વોર્ડ નંબર 14નાં કોંગી કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે, મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. ટીપી 24-બી વિસ્તારમાં રસ્તા બનાવવાના કામમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી તેમણે સમગ્ર કામની સ્થળ પર તપાસ કરાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ભાયલી ટીપી-1થી ટીપી-5 વિસ્તારના રહીશો છેલ્લા છ વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો ભરી રહ્યા છે, તેમ છતાં આ વિસ્તારોમાં આજે પણ અનેક રસ્તાઓ તૂટેલી હાલતમાં છે.
ખાસ કરીને ભાયલી ટીપી 24-બી, જે હજુ ફાઇનલ થઈ નથી, ત્યાં પ્રિયા ટોકીઝથી 75 મીટર રોડ સુધી અગાઉથી 30 મીટરનો રસ્તો હોવા છતાં ફરીથી રસ્તો બનાવવામાં આવ્યો હોવાનો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, 75 મીટરના રસ્તાને ક્રોસ કરીને વધુ 400 મીટરનો રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હજુ સુધી કોઈ વસવાટ કરવા આવ્યું નથી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરાની આવક પણ થતી નથી, તો પછી આટલો લાંબો રસ્તો બનાવવાની જરૂરિયાત ઊભી કેવી રીતે થઈ તે અંગે રજૂઆતમાં સવાલ કરવામાં આવ્યો છે.
વધુમાં રસ્તાની હદમાં આવતી ઓફિસ દૂર કરવા માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરાયો છે. આ રસ્તો રીગલિયા રહેણાંક યોજનાને ફાયદો કરાવવા માટે બનાવવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરીને ભાયલી વિસ્તારના રહીશો સાથે અન્યાય થતો હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.
દીપા શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માગ કરી છે કે વિવાદિત રસ્તાની તાત્કાલિક સ્થળ મુલાકાત લેવામાં આવે, રસ્તાના કામને લગતા તમામ મહત્ત્વના દસ્તાવેજો અને પુરાવા સુરક્ષિત કરવામાં આવે તથા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરની ચુકવણી અટકાવવામાં આવે. રસ્તાની હદમાં આવતું દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને વિજિલન્સ તપાસમાં કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર દોષિત ઠરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.




