રણોલીમાં કેમિકલની દુર્ગંધનો કહેર : મોઢે રૂમાલ બાંધી રસ્તા પર ઊતર્યા ગ્રામજનો, બાળકોને ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધે રહીશોની હાલત કફોડી બનાવી છે. છેલ્લા પાંચ દિવસથી દુર્ગંધનું પ્રમાણ વધી જતાં ઘરની અંદર અને બહાર રહેવું મુશ્કેલ બન્યું હોવાની ફરિયાદો ઊઠી છે. દુર્ગંધથી બાળકોને ઊલટી થતી હોવાની અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો વચ્ચે ગઈકાલે ગ્રામજનો મોઢે રૂમાલ બાંધી રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે, સોસાયટીમાં સામાન્ય રીતે પણ કેમિકલ જેવી દુર્ગંધ આવતી રહે છે, પરંતુ છેલ્લા પાંચ દિવસથી તેની તીવ્રતા વધી ગઈ છે. ઘરના દરવાજા-બારીઓ બંધ રાખવા છતાં દુર્ગંધથી રાહત મળતી ન હોવાની ફરિયાદો છે. બાળકોની તબિયત પર અસર થતી હોવાની અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની વાત સામે આવતાં રહીશોમાં ચિંતા વધી છે.
સોસાયટી નજીક કેમિકલ ભરેલા ટેન્કરો ધોવા માટેનાં સર્વિસ સ્ટેશન આવેલાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત, રણોલી જીઆઇડીસીના ટેન્કરોમાંથી કેમિકલ રણોલી નજીકની ગટરોમાં ઠાલવવામાં આવતું હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, સરપંચ પ્રવીણાબેન દ્વારા તલાટી આવે ત્યારે જ સ્થળ પર આવવાની વાત કરવામાં આવતાં લોકોમાં વધુ નારાજગી ફેલાઈ હતી. ગંભીર દુર્ગંધથી પરેશાન રહીશોને તાત્કાલિક રાહત મળે અને સમસ્યાનું મૂળ કારણ શોધવામાં આવે તેવી અપેક્ષા વચ્ચે જવાબદારી એકબીજા પર ઢોળાતી હોવાની લાગણી ગ્રામજનોમાં જોવા મળી રહી છે.
આવી સ્થિતિમાં માત્ર એકબીજાને જાણ કરવા પૂરતું ન રાખીને ગ્રામ પંચાયત, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત આરોગ્ય વિભાગે સંકલન કરીને તપાસ હાથ ધરવી જરૂરી છે. રણોલીની સત્યનારાયણ સોસાયટીના રહીશો માટે આ સમસ્યા હવે રોજિંદા જીવનનો ગંભીર પ્રશ્ન બની છે. દુર્ગંધ ક્યાંથી આવે છે, ટેન્કરો ધોવાના સ્થળે નિયમોનું પાલન થાય છે કે નહીં અને ગટરમાં કેમિકલ છોડવામાં આવે છે કે નહીં તેની તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની માગ ઊઠી છે.




