Baroda

બરોડાની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોનો દબદબો, વિવિધ ટુર્નામેન્ટમાં વિજયનો સિલસિલો

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનની ટીમો વિવિધ ક્રિકેટ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પુરુષ ટીમો રણજી અને સી.કે. નાયડુ ટ્રોફીમાં 2-2 જીત મેળવી ચૂકી છે. અંડર-19 મહિલા ટીમે T20 ટુર્નામેન્ટમાં 6 મેચ જીતી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંડર-23 પુરુષ ટીમે પોંડિચેરી ખાતે સીસકેમ ટ્રોફી જીતી, જ્યારે મહિલા ટીમે જીવન કપમાં ઉપવિજેતા સ્થાન મેળવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બરોડાની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોનો દબદબો, વિવિધ ટુર્નામેન્ટમાં વિજયનો સિલસિલો

Vadodara: વિવિધ ક્રિકેટ સ્પર્ધાઓમાં બરોડા ક્રિકેટ એસોસિએશનની પુરુષ અને મહિલા ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. એક તરફ પુરુષ ટીમો રણજી ટ્રોફી અને સી.કે. નાયડુ ટ્રોફીમાં સતત બે-બે જીત મેળવી રહી છે, તો બીજી તરફ અંડર-19 મહિલા ટીમે ટી-20 ટુર્નામેન્ટમાં સતત છ મેચ જીતી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત બરોડાની અંડર-૨૩ પુરુષ ટીમે સીસકેમ ટ્રોફીનું ચેમ્પિયનપદ મેળવીને બરોડાના ક્રિકેટની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. જ્યારે જીવન કપ મહિલા ટી-૨૦માં બરોડાની ટીમે ઉપવિજેતાપદ મેળવ્યું છે.

પોંડિચેરી ખાતે યોજાયેલી સીસકેમ ટ્રોફી 2026 અંડર-23 પુરુષ આંતરરાજ્ય મલ્ટિ-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં બરોડાએ ઝારખંડને 48 રને હરાવી ખિતાબ જીત્યો હતો. સપ્ટેમ્બરમાં રમાયેલી આ ફાઇનલમાં બરોડાના કાવ્ય ટેલરે શાનદાર બોલિંગ કરતાં 13.1 ઓવરમાં બે મેઇડન સાથે માત્ર 38 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનથી બરોડાની જીતનો માર્ગ મોકળો થયો હતો.

રણજી ટ્રોફીમાં અતીત શેઠના નેતૃત્વ હેઠળ બરોડાની સિનિયર પુરુષ ટીમે પણ વિજયી શરૂઆત કરી છે. ગોવા સામે જીત મેળવ્યા બાદ બરોડાએ બિહારને 10 વિકેટે હરાવી સતત બીજી જીત નોંધાવી હતી. બોલર ભાર્ગવ ભટ્ટે પ્રથમ બે મેચમાં ગોવા સામે નવ અને બિહાર સામે આઠ મળીને કુલ 17 વિકેટ ઝડપી હતી. બિહાર સામે પ્રિયાંશુ મોલિયાની સદી ઉપરાંત દીપક હુડા અને મહેશ પીઠિયાની અડધી સદીએ પણ ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સી.કે. નાયડુ ટ્રોફીમાં બરોડાની અંડર-23 ટીમે પણ સંઘર્ષપૂર્ણ પ્રદર્શન કરીને સતત બે જીત મેળવી છે. ગોવા સામે પ્રથમ દાવમાં 153 રનથી પાછળ રહ્યા બાદ બરોડાએ જોરદાર વાપસી કરી ચાર વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભવિષ્ય પટેલે 130 અને નિત્ય પંડ્યાએ ૬૫ રન બનાવ્યા હતા. બોલિંગમાં દીપ પટેલે કુલ આઠ અને હર્ષિત મૌર્યએ છ વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે ઓડિશા સામે રમાયેલી મેચમાં બરોડાએ 162 રને વિજય મેળવ્યો હતો. બરોડાએ પ્રથમ દાવમાં 250 અને બીજા દાવમાં 239 રન બનાવ્યા હતા. ઓડિશાને પ્રથમ દાવમાં 211 રનમાં સમેટ્યા બાદ જીત માટેના ૨૭૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતી ઓડિશાની ટીમ બીજા દાવમાં માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે બરોડાએ ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી.

મહિલા ક્રિકેટમાં પણ બરોડાની અંડર-19 ટીમે નોંધપાત્ર સફળતા મેળવી છે. બીસીસીઆઈ અંડર-19 મહિલા ટી-20 ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં બરોડાએ મહારાષ્ટ્રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે સતત છ મેચ જીતવાનો રેકોર્ડ નોંધાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે સેમિફાઇનલમાં બરોડાનો મુકાબલો કર્ણાટક સામે થશે. બીજી તરફ જીવન કપ મહિલા ટી-૨૦ સ્પર્ધામાં બરોડાની ટીમે ઉપવિજેતાપદ મેળવીને મહિલા ક્રિકેટમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.