વડોદરાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત 3 યુવકોના સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાની સયાજી હોસ્પિટલમાં અલગ-અલગ બાઈક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. ત્રણેય બનાવમાં રાવપુરા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી સંબંધિત પોલીસ મથકોને જાણ કરી છે.
ગરબાડા, દાહોદના 26 વર્ષીય રાહુલ ખેમચંદ મોહનિયાને ગત 26 સપ્ટેમ્બરની રાત્રે દાહોદના ગડોઇ ગામ પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે સારવાર દરમિયાન રાહુલનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી દાહોદ રૂરલ પોલીસને જાણ કરી છે.
બીજા બનાવમાં 42 વર્ષીય ભરત ચંદુ નાયક ગત 28 સપ્ટેમ્બરે સાંજે ડેસરના પીપરસ ગામ ખાતે બાઈક સ્લીપ થતાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગઈકાલે રાત્રે આઈસીયુમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી ડેસર પોલીસને જાણ કરી છે.
જ્યારે ત્રીજા બનાવમાં ખંભાત, આણંદના 35 વર્ષીય સુરેશ બાબર મકવાણાને ગત 20 સપ્ટેમ્બરે બોરસદ નજીક બાઈક લઈને જતા સમયે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન 1 ઓક્ટોબરે આઈસીયુમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે રાવપુરા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી બોરસદ ટાઉન પોલીસને જાણ કરી છે.




