વાવના આકોલી તેમજ દૈયપ પંથકને બરફ ઝોન જાહેર કરાયો
- આઠ કિલોમીટરની ત્રિજ્યામાં વાહનો અને લોકોની અવરજવર પ્રતિબંધ
- બન્ને ગામના રહેણાંક અને મહેસુલી વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયામાં મુકાયાઃ બન્ને ગામોમાં પોઝીટીવ કેસની સંખ્યા 18 પર પહોંચી
પાલનપુર,થરાદ, તા.૨૨ એપ્રિલ 2020, બુધવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની સંક્રમણ ગ્રામસ્તરે વધુ રહ્યું છે. જેમાં મંગળવારે વાવ, થરાદ અને ગઠામણમાં કોરોના પોઝિટીવના વધુ ૬ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી જવા પામ્યું છે. અને લોકોને કોરોના સંક્રમણ થી બચાવવા માટે વાવના આકોલી તેમજ દૈયપ ગામની આઠ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાહનો તેમજ લોકોની બિનજરૃરી અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં વકરી રહેલા કોરોનાનું કનેકશન અમદાવાદ તેમજ સુરતનું હોવાનું બહાર આવવા પામ્યું છે. જેમાં એક અઠવાડીયા ના ટુંકાગાળામાં કોરોનાનું સંક્રમણ વધવાને લઇ કોરોના પોઝેટીવ કેસનો આંક ૧૮ પર પહોંચ્યો છે. જેમાં માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે આરોગ્ય કર્મીનો રિપોર્ટ આવતા તંત્ર દ્વારા કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે જિલ્લા કલેકટર સંદિપ સાગલે દ્વારા જાહેરહીતમાં બે વિવિધ નવીન જહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. વાવના દૈયપ અને આકોલી ગામના રહેણાંક અને મહેસુલી વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયામાં મુકવામાં આવ્યા છે. તેમજ દૈયપ અને આકોલી ગામની આઠ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ૧૬ ગામોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં લોકોની તેમજ વાહનોની બિન જરૃરી અવર જવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બફર ઝોન વિસ્તારના ગામોમાં આવશ્યક સેવાઓના અવરજવર માટે માત્ર એક માર્ગ ખુલ્લો રખાશે અને લોકોને આવશ્યક ચીજવસ્તુઓ હોમ ડિલીવરીથી પુરી પાડવામાં આવશે.
16 ગામનો બફર ઝોનમાં સમાવેશ
દૈયપની ૮ કી.મી ત્રિજ્યામા આવતા કુંભારડી, તેજપુરા, રતનગઢ, સણવાલ, વજીયાસરા, શેરાઉ, કાસવી, રાણેસરી અને સબા તેમજ આકોલીની ૮ કી.મી.ત્રિજ્યામાં આવતા ટોભા, પાનેસડા, બાલુત્રી, કારેલી, અરજણપુર ગામોની હદને સીલ કરવામાં આવી છે.
અગાઉ પણ ત્રણ ગામને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરાયા હતા
પાલનપુરના ગઠામણ તેમજ વાવ તાલુકાના માવસરી અને મીઠાવીચારણ ગામે કોરોના પોઝેટિવ કેસ નોંધાતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ ત્રણ ગામોને કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠાની જવાબદારી સચિવને સોપાઇ
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોના પ્રભાવીત જિલ્લાઓમાં પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે સચિવોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કોરોના પ્રભાવીત બનાસકાંઠા જિલ્લાની જવાબદારી જીએમડીસીના મનેજીગ ડિરેકટર એ.એમ.સોલંકીને સોપવામાં આવી છે.
કન્ટેન્ટ મેન્ટ ગામો
આંતરોલ -રતનપુર
હદ સીલ કરાયેલ ગામો
તાખુવા, રકડા, કરબુણ, ભરડાસર, રાણેસરી, નારોલી, કાસવી, રાણપુર, આજાવાડા, પાતિયાસરા, રાજકોટ, શેરાઉ, જામપુર, સવપુરા તેમજ પાઠ કિલોમીટરના ત્રિજ્યામાં આવતા વાવ તાલુકાના કુંભારડી, વજીયાસરા, દૈયપ, તેજપુરા, રતનગઢ, સણવાલ, જેવા ગામોની હદ સિલ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રથમ પોઝિટીવ કેસ મળી આવતા
થરાદ તાલુકામાં કન્ટેન્ટમેન્ટ તેમજ બફર એરિયા જાહેર
લોકોની અવર-જવર ન વધે તે માટે 19 ગામોની હદ સીલ
થરાદ તાલુકાના આંતરોલ ગામનો યુવાન રામપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતો કર્મચારી દરઘાભાઇ અમરાજી ચૌધરી પટેલને મંગળવારે સાંજે કોરોના વાયરસ પોઝિટીવ કેશ આવતા વહીવટી તંત્રની ઉંઘ હરામ થઇ જવા પામી છે. તેમજ તંત્રની જાણ થતા આરોગ્ય ટિમ પોઝિટીવ દર્દીના રહેણાંક ફાર્મ હાઉસ ખેતર પર પહોંચી ઘરના તમામ સભ્યોને ઘરની બહાર ન નીકળવા સુચના આપવામાં આવી હતી. તેમજ દર્દીનું ફાર્મ હાઉસ બાજુમાં આવેલ રતનપુરગામને સીમાડે હોવાથી પોઝિટીવ દર્દીની અવર જવર તેમજ આર્થિક સામાજિક વ્યવહાર રતનપુરા ગામે થતો હોવાથી આંતરોલ તેમજ રતનપુરા બંને ગામોને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. જોકે તેની બાજુબાજુના આઠ કિલોમીટરના ત્રિજ્યામાં આવતા થરાદ વાવ તાલુકાના ગામોને બફર એરિયા તરીકે જાહેર કરી લોકોની અવર જવરન વધે તે માટે ઓગણીસ ગામોની હદ સિલ કરાઇ છે.