બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે અનલોક 'અનલક્કી' રહ્યું
- માત્ર ચાર દિવસમાં કોરોના પોઝીટીવ 51 કેસ નોંધાયા
- પાલનપુર-ડીસામાં છેલ્લા ચાર દિવસમાં 22-22 કેસ સામે આવતા સ્થિતિ વણસીઃ જિલ્લામાં કુલ સંક્રમિતોનો આંક 244ની સપાટી વટાવી
પાલનપુર,તા.02 જુલાઈ 2020, ગુરૂવાર
દેશભરમાં કોરોના વાઈરસ કહેર વર્તાવી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ લોકલ સંક્રમણ રોકેટગતિએ ફેલાતા છેલ્લા ચાર દિવસમાં કોરોના પોઝીટીવના વધુ ૫51 કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. જોકે ચાર તબક્કાના કડક લોકડાઉન બાદ છૂટછાટવાળા અનલોકમાં ડીસા તેમજ પાલનપુરમાં છેલ્લા ચાર દિવસમાં 22-22 કેસ સામે આવવાની સાથે પાલનપુરમાં ચાર દિવસમાં ચાર કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજવાની સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંક 244ની સપાટીએ પહોંચતા બનાસકાંઠા માટે અનલોક અનલક્કી પુરવાર થવા પામ્યું છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉનનો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જોકે ચાર તબક્કાના કડક લોકડાઉન વચ્ચે પણ કોરોના પોઝીટીવ કેસોનો રેસિયો સતત ઉંચકાતા અને વેપાર-ધંધાને માઠી અસર થતા આખરે સરકાર દ્વારા કેટલીક છૂટછાટ વાળુ અનલોક એક અને તે બાદ અનલોક બે જાહેરકરવામાં આવ્યું છે. પરંતુ લોકો કોરોના અંગે ગંભીર ન બનતા અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા હોઈ શહેરી વિસ્તારોમાં કોરોનાનું લોકલ સંક્રમણ રોકેટગતિએ ફેલાવા લાગ્યું છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં 51 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ડીસા અને પાલનપુરમાં 22-22 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાસકાંઠામાં 29 જુલાઈના રોજ પોઝીટીવ કેસોનો આંક 193 હતો જેમાં ચાર દિવસમાં વધુ 51 કેસ સામે આવતા કુલ આંક 244એ પહોંચ્યો છે. અને પાલનપુરમાં માત્ર ચાર દિવસ ચાર કોરોના સંક્રમિત દર્દીના મોત નિપજતા જિલ્લાનો કુલ મૃત્યુઆંક 14 થયો છે. જોકે અનલોકમાં પાલનપુર તેમજ ડીસામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ પરિસ્થિતિ વણસતા લોકો ભયભીત બની ઉઠયા છે.
પાલનપુરમાં ચાર દિવસમાં ચાર મોત
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 14 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં ડીસામાં ૫ પાલનપુરમાં 7, ધાનેરા-1 અને ધરાદ-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. જોકે પાલનપુરમાં છેલ્લા ચાર દિવસમાં ચાર કોરોનાગ્રસ્ત દર્દીઓએ જીવ ગુમાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
કોરોના અંગે હાલની સ્થિતિ
બનાસકાંઠા જિલ્લામાં ગુરુવાર સુધીમાં કુલ 8968 સેમ્પલ નોંધાયા છે. જેમાં 244 વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ૮૩૮૬ વ્યક્તિનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અને ૩૪૦ વ્યક્તિના રિપોર્ટ પેન્ડીંગ છે.
પાટણ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 37 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોનાના કેસોએ માજા મુકી છે. જેને લઈ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેફામ ફેલાયું છે. જેમાં અત્યાર સુધી કુલ ૨૧૬ કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા ચાર દિવસમાં કુલ ૩૭ કેસ નોંધાયા છે. તો બે દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. જોકે ગુરૃવારે પાટણ જિલ્લામાં એક જ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહિવટીતંત્રએ રાહતનો દમ લીધો હતો.