ધાનેરા સબજેલના 8 આરોપી પૈકી બેના રીપોર્ટ પોઝિટીવ આવ્યા
- તાલુકામાં ફરી કોરોનાનો ઉથલો
- 6 આરોપીઓના પરિવારને કોરોન્ટાઇન કરવા તંત્ર લાચાર આખરે ઘરે કોરોન્ટાઇન કરવા મજબુર
ધાનેરા તા.01 જૂન 2020, સોમવાર
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. જેમાં અત્યાર સુધી ૪ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમીયાન ધાનેરા તાલુકાના વાસણ ગામ તથા ધાનેરા શહેરમાંથી બે કોરોના પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર સક્રિય બન્યું છે. ગત મંગળવારના રોજ મારામારીના કેસમાં ઝડપાયેલા ૮ પૈકી બે આરોપીઓને કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યા છે. સંક્રમણમાં આવલ પોલીસ કર્મીઓને કોરોન્ટાઇન કરાયા છે. જ્યારે ૬ આરોપીઓના પરિવારને ઘરે જ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
ધાનેરા આરોગ્ય અધિકારી નગરપાલિકા ચિફઓફીસર પણ આ પરિવારને કોરોન્ટાઇન કરવા માટે દોડી આવ્યા હતા. જોકે પરિવારમા માત્ર મહિલા તેમજ બાળકો હોવાથી તેમણે પોતાના ઘરમાજ કોરોન્ટાઇન થવાનું જણાવ્યું હતું. અને આખરે ધાનેરા વહીવટી તંત્રે આ વાતને માન્ય રાખતા આખો કાફલો રવાના થયો હતો. ધાનેરા શહેરી વિસ્તારમાં બે કોરોના કેસ બાબતે આજે ધાનેરા નગરપાલિકા વિસ્તાર, વોરવાસ, મહેતાવાસ, કબ્રસ્તાન વિસ્તારની દુકાનો, કેશવ કોપ્લેક્ષની દુકાનો બંધ કરાવી આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા કર્મચારીઓ હાલઆ બંન્ને વ્યક્તિના સંપર્કમાં આવેલ ૯૭ વ્યક્તિને કોરેન્ટાઇન કરવા માટે કામગીરી હાથ ધરાઇ છે. હાલ આરોપી સાઇ આબીદશા એહમેદશા ઉંમર ૪૦અને સાઇ જાકિરસા એહમદશા ઉમર ૩૫ વર્ષેઆ બંન્ને ને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.