ડીસામાં બે દિવસ અગાઉ કુવામાંથી મળેલી બે લાશોની હત્યા કરાઇ હતી
- 27 દિવસથી બંન્ને પિત્તરાઇ ગુમ હતા
- ત્રણ શકમંદોની અટકાયત કરીઃ હત્યા કેમ કરી તે રીમાન્ડમાં બહાર આવશે
ડીસા તા.29 જૂન 2020, સોમવાર
ડીસામાં બે દિવસ અગાઉ મળી આવેલ બે લાશ બાબતે પોલીસએ તપાસ દરમ્યાન હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસ હત્યાનો ગુનો નોંધી શંકમંદ ત્રણ ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના થરાદ તાલુકાના જામડાં ગામનો રણછોડ ઠાકોર અને રાધનપુર તાલુકાના સીનાડ ગામનો રણજીત ઠાકોર બંન્ને થરાદ ખરીદી કરવા જતાં ૩૧ મેના રોજ ગુમ થયા હતા. અને જે બાબતે થરાદ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ થરાદ પોલીસએ તપાસ હાથ ધરતા મૃતક બંન્ને યુવકોનું મોબાઇલ લોકેશન ડીસા રેલ્વે સ્ટેશન આવતા પોલીસ એ રેલ્વે તપાસ હાથ ધરેલ છે. બાદ ગત તા.૨૪ જુનના રોજ અચાનક મોબાઇલ ચાલુ થતા ફરી મોબાઇલ લોકેશન ડીસા રેલ્વે સ્ટેશન આવેલ જેથી ડીસા ડીવાયઅસપી ડો.કુસલ ઓજા અને ડીસા દક્ષિણ પીઆઇ બી.વી.પટેલ દ્વારા લોકેશનના આધારે તપાસ હાથ ધરતા બંન્ને યુવકોની લાશ રેલ્વે સ્ટેશન પાસે અવાવરૃ કુવામાં હોવાનું માલુમ પડેલ જેથી પોલીસએ તપાસ હાથ ધરી પાલિકાની મદદ લઇ બંન્ને યુવકોની લાશ બહાર કાઢી પ્રથમ પોલીસએ અકસ્માતનો ગુન્હો દાખલ કરેલ હતો. જોકે બાદમાં પોલીસને શંકા જતા સઘન તપાસ દરમ્યાન આ બંન્ને યુવકોની હત્યા થઇ હોવાનું બહાર આવેલ અને જેમાં ત્રણ શકમંદ ઇસમો જેમાં ડીસા ભોપાનગરના વીકી મનુજી ઠાકોર, હાર્દિક ઉર્ફે લાલો યાદવ અને એક સગીર યુવકની અટકાયત કરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આ બાબતે ડીસા ડીવાયએસપી ડો કુસલ ઓઝાએ જણાવ્યું હતુ કે બંન્ને યુવકની લાશ મળ્યા બાદ તપાસ હાથ ધરતા બંન્ને યુવકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા કેમ કરી જે બાબત રિમાન્ડ દરમ્યાન બહાર આવશે. ડીસા દક્ષિણ પોલીસ અને ડીસા ડીવાયએસપીના સઘન પ્રયત્નોથી ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે.