બનાસકાંઠા-વાવ થરાદમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો, ગૌ સન્માન આહવાનમાં બજારો બંધ રહ્યાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gau Sanman Banaskantha Bandh: ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌવંશની સુરક્ષા માટે અલગ ગૌસેવા મંત્રાલયની રચના સહિતની વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયેલા ગૌ સન્માન આહવાનને બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં વ્યાપક સમર્થન મળ્યું હતું. શુક્રવારે ભાભર, થરા, થરાદ, વાવ, શિહોરી, નવી ભીલડી અને ધાનેરામાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો અને ધંધા-રોજગાર બંધ રાખતાં બજારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. વિવિધ શહેરોમાંથી ગૌભક્તો અને આગેવાનો ગાંધીનગર ખાતેના મહાસંમેલનમાં જોડાવા પહોંચ્યા હતા. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ગૌ સન્માન આહવાનના સમર્થનમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યો હતો.
વિવિધ શહેરોમાં વેપારીઓનું બંધને વ્યાપક સમર્થન
ભાભરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી અભિયાનને સમર્થન આપ્યું હતું. વાવમાં પણ મુખ્ય બજારો બંધ રહ્યાં હતાં. અહીં ખાસ વાત એ રહી કે મુસ્લિમ સમાજના લોકોએ પણ બંધમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. થરામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન, થરા એપીએમસી અને લોકલ કેમિસ્ટ એસોસિએશન સહિતના સંગઠનો બંધમાં જોડાયાં હતાં. ગૌપ્રેમીઓએ જણાવ્યું કે શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ ચાર તબક્કામાં સરકારને પ્રાર્થનાપત્ર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. થરાદમાં ગૌસાંસદના નેતૃત્વમાં ગૌસેવકો અને વેપારી આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. વેપારી એસોસિએશને પણ બંધને સમર્થન આપ્યું હતું. શિહોરી અને કંબોઈમાં બજારો બંધ રહ્યાં હતાં. ડીસા તાલુકાના નવી ભીલડીમાં વેપારી એસોસિએશને બંધ પાળ્યો હતો અને ગૌભક્તો ગાંધીનગરની રેલીમાં જોડાયા હતા. ડીસાના માલગઢથી ગૌભક્તો, ખેડૂતો અને વેપારીઓ બસ મારફતે ગાંધીનગર જવા રવાના થયા હતા.
ગૌભક્તોનું સ્વાગત અને મામલતદારને આવેદનપત્ર
મોટા ગામના પાટિયે એસ.ટી. બસના કર્મચારીઓએ ગુલાબનાં ફૂલ અને કંકુ તિલકથી તેમનું સ્વાગત કર્યું હતું, સાથે બુંદી-ગાંઠિયાનો નાસ્તો કરાવી આવકાર્યા હતા. ધાનેરામાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળવાની સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌવંશનું રક્ષણ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આમ, બંને જિલ્લાના વિવિધ શહેરોમાં ગૌ સન્માન આહવાનને વેપારીઓ, ગૌભક્તો અને સામાજિક સંગઠનોનો વ્યાપક ટેકો મળ્યો હતો.
વાવમાં સામાજિક એકતાનો સંદેશ
વાવમાં ગૌ સન્માન આહવાનના સમર્થનમાં હિન્દુ વેપારીઓની સાથે મુસ્લિમ સમાજના લોકોએ પણ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. ગૌવંશની સુરક્ષાના મુદ્દે વિવિધ સમાજના લોકોએ એકસાથે સમર્થન આપતાં સામાજિક એકતાનો સંદેશ જોવા મળ્યો હતો.
ગાંધીનગર જતાં ગૌભક્તોનું એસ.ટી. કર્મચારીઓએ સ્વાગત કર્યું
ડીસાના માલગઢથી ગાંધીનગર જવા નીકળેલા ગૌભક્તો, ખેડૂતો અને વેપારીઓનું મોટા ગામના પાટિયે એસ.ટી. બસના કર્મચારીઓએ ગુલાબનાં ફૂલ અને કંકુ તિલકથી સ્વાગત કર્યું હતું. બુંદી-ગાંઠિયાનો નાસ્તો કરાવી અભિયાનને આવકાર્યું હતું.




