કાંકરેજના ત્રણ વેપારીને ભેળસેળ મામલે રૃ.1.47લાખનો દંડ કરાયો
- જુદા જુદા નવ સેમ્પલ ફેઈલ થતા વેપારીઓ સામે કાર્યવાહી
- નાયબ કલેક્ટરે ભેળસેળ ઘી અને મરચાનું વેચાણ કરવા બદલ દંડ ફટકાર્યો
પાલનપુર,તા. 12
માર્ચ 2020, ગુરુવાર
બનાસકાંઠામાં અખાદ્ય ચીજવસ્તુનુ વેચાણ રોકવા માટે ફુડ વિભાગ
દ્વારા વર્ષ ૨૦૧૯માં કાંકરેજ તાલુકાના શિહોરીમાંથી લુઝ ઘી અને ટોટાણામાંથી મરચા
પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ પરિક્ષણમાં ફેઈલ થતા પાલનપુરના નાયબ
કલેક્ટરે ભેળસેળ મામલે અખાદ્ય ઘી અને મરચા પાવડરનું વેચાણ કરનાર ત્રણ વેપારીને
રૃ.૧.૪૭ લાખનો દંડ કર્યો છે. વિવિધ જગ્યાએથી સેમ્પલ ફેઈલ થતા વેપારીઓ સામે
કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય અને ભેળસેળ ચીજવસ્તુનું વેચાણ
દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા વેપારીઓ સામે
તંત્ર લાલ આંખ કરવામાં આવી છે. જેમાં પાલનપુર ફુડ વિભાગ દ્વારા જુલાઈ ૨૦૧૯માં
કાંકરેજ તાલુકાના વડા મથક શિહોરીમાં આવેલ શ્રી રાજેશ બચુભાઈ પ્રજાપતિ નામની
દુકાનમાંથી લુઝ ઘી અને ટોટાણા ગામે આવેલ જલીયાણા મસાલા નામની દુકાનમાંથી મરચા
પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ લેબોરેટરીમાં પરિક્ષણ માટે
મોકલવામાં આવ્યા હતા. જોકે આ બન્ને સેમ્પલ ફેઈલ થયા હોવાનો રિપોર્ટ આપતા પાલનપુરના
નાયબ કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતા તેમને ભેળસેળ ઘી મામલે વેપારીને રૃ.૬૨ હજાર તેમજ
ભેળસેળ મરચા પાવડર મામલે દુકાનના બે ભાગીદારને રૃ.૮૫ હજારનો દંડ કર્યો છે. જોકે
ફુડ વિભાગ દ્વારા જાન્યુઆરી ૨૦૨૦માં જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુનું વેચાણ રોકવા
માટે વિવિધ જગ્યાએ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં થરાદ ડીસા, દાંતીવાડા, ચડોતર, પાલનપુર અને
સુઈગામમાંથી લેવામાં આવેલ ગાયનુ ઘી,
મીઠું, સોયાબીન
અને કપાસીયા તેલ સહિતના નવ સેમ્પલ પરિક્ષણમાં ફેઈલ થતા આ મામલાએ નાયબ કલેક્ટર
સમક્ષ વેપારીઓ સામે કેસ દાખલ કરી તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં
આવી છે.