અમદાવાદથી બનાવટી પાસ લઇ ડીસા તરફ આવી રહેલા ત્રણ કોરોનાગ્રસ્ત શખ્સો ઝડપાયા
- અમદાવાદથી આવેલા શખ્સોને આઇસોલેટ કરી તેમની સામે ગુનો દાખલ કરાયોઃ પોલીસની સજાગતાથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટક્યું
પાલનપુર તા.10 મે 2020, રવિવાર
કોરોના એપી સેન્ટર અમદાવાદમાં પોઝેટીવ કેસોની સંખ્યામાં સતત ઉછાળો થઇ રહ્યો હોય અમદાવાદમાં વસતા લોકોએ વતનની વાટ પકડી છે. તેવા સમયે કોરોના લક્ષણ ધરાવતા અમદાવાદના ત્રણ શખ્સો ડીસા આવવા માટે બનાવટી પાસ બનાવી શનિવારે ફરાર થઇ ગયા હતા ને કાર મારફતે ડીસા આવવા નિકળ્યા હોઇ બનાસકાંઠા પોલીસે બાતમીના આધારે ડીસામાં નાકાબંધી કરીને અમદાવાદથી બનાવટી પાસના આધારેઆવી રહેલા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. અને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે પોલીસની સજાગતાથી બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટક્યું છે.
અમદાવાદમાં કોરોનાના વધતા જતા પ્રક્રોપને લઇ લોકો શહેર છોડવા મજબુર બન્યા છે. જેમાં કેટલાક લોકો યેનકેન પ્રકારે અમદાવાદ છોડવા માટે તંત્રની આંખમાં ધુળ નાખવા અવનવા અખતરા અજમાવતા થયા છે. તેવામાં વતન જવાની મંજુરી અંગેનો બનાવટી પાસ લઇને નીકળેલા ત્રણ કોરોનાગ્રસ્ત લોકોને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડયા છે. રવિવારની વહેલી સવારે કોરોનાના લક્ષણ ધરાવતા રાજુભાઇ અને સુનિલભાઇ વાણીયા નામના શખ્સો ડીસા આવવા બનાવટી પાસના આધારે અર્ટિકા ગાડી સવાર થઇને અમદાવાદથી ડીસા આવવા નિકળ્યા હતા. જોકે અમદાવાદથી ગાડીમાં નીકળેલ શખ્સો કોરોના પોઝેટીવ હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસવડા તરુણ કુમાર દુગ્ગલની સુચનાથી પોલીસ ટીમે ડીસામાં રાજમંદીર નજીક વોચ ગોઢવીને અમદાવાદથી આવેલી આર્ટિકા ગાડીને ઝડપી લીધી હતી. અને તેમાં સવાર ત્રણ શખ્સોની અટકાયત કરી તેમની સામે ગુનો દાખલ કરવા તેમજ તેમને આઇશોલેટ વોર્ડમાં એડમિટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસની સજાગતાના કારણે અમદાવાદથી કોરોના લઇને ડીસામાં આવેલ ત્રણ શખ્સો ઝડપાઇ જતા કોરોના સંક્રમણ ફેલાતું અટક્યું હતું જેને લઇ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કોરોના પોઝિટીવ ધરાવતા શખ્સો ને પકડવા અમદાવાદ પોલીસે મહેસાણા પાટણ અને બનાસકાંઠાને જાણકરિહતી જેને લઇ પોલિસ પણ મુશ્કેલીમાં મુકાઇ હતી. પરંતુ અંતે પાલનપુર ડીસા પાસેથી ગાડી પકડી પાડી હતી.
અમદાવાદથી નીકળેલા શખ્સોને ડીસામાં ઝડપી લેવાયા
બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડા તરૃણ કુમાર ડુગ્ગલે જણાવ્યું હતું કે અમદાવાદથી બે કોરોનાગ્રસ્ત શખ્સો બોગસ પાસના આધારે આર્ટિકા ગાડીમાં ડીસા આવી રહ્યા હોવાની બાતમી મળતા ડીસા નજીક રાજમંદિર પાસેથી આગાડીને ઝડપી લેવામાં આવી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિ મળી આવતા તેમની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.