કેનાલો તૂટવાના સીલસીલા વચ્ચે કાસવીની કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડયું
- તકલાદી કેનાલોને લઈ સરહદી વિસ્તારમાં ખેડૂતોના હાલ બેહાલ
- રોજેરોજ કેનાલો તૂટવાથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છેઃબનાસકાંઠામાં એક મહિનામાં કેનાલોમાં 20 ગાબડાં
પાલનપુર,તા.08 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો અટકવાનું નામ ન લેતા રોજેરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જે વચ્ચે શુક્રવારની મધરાતે થરાદ તાલુકાના કાસવી ગામે પસાર થતી કેનાલમાં પચાસ ફૂટનું મસમોટુ ગાબડું પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સરહદી વિસ્તારમાં કેનાલોમાં ભંગાણ સર્જાવાને લઈ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ કેટલાય ગામડાઓ જ્યાં નથી પહોંચ્યું ત્યાં ખેડૂતો સિંચાઈમાં પાણી માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલો ખેડૂતો માટે જીવાદોરી સમાન છે પરંતુ કેનાલોના નિર્માણમાં કોન્ટ્રાક્ટરો દ્વારા સાવ તકલાદી કામ કરવામાં આવતા ઠેરઠેર કેનાલોમાં રોજેરોજ મસમોટા ગાબડાં પડી રહ્યા છે. જેને લઈ કેનાલોનું પાણી ખેતરોમાં ફરી વળતા વાવેતરનો સત્યાનાશ વળી રહ્યો છે. તેમછતાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા કેનાલો તૂટવાનો સીલસીલો અટકવાનું નામ જ લેતો નથી. જોકે છેલ્લા એક મહિનામાં કેનાલોમાં ૨૦ જેટલા ગાબડા પડવાને લઈ ખેતરોમાં ઉભો મહામૂલો પાક નિષ્ફલ જવાને લઈ ખેડૂતો બેહાલ બન્યા છે. જે વચ્ચે શુક્રવારની મધરાતે થરાદ તાલુકાના કાસવી ગામે પસાર થતી નર્મદા કેનાલમાં ૫૦ ફૂટકનું ગાબડુ પડતા આજુબાજુમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ ખેડૂત સોંગજીભાઈના ખેતરમાં સાત એકરમાં વાવેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે તકલાદી કેનાલોથી ખેડૂતોને થતા નુકસાનને રોકવા માટે સરકાર દ્વારા કેનાલો તૂટવાના બનાવોને ગંભીરતા દાખવે તેવી માંગ ઉઠવા પામી છે.
કુદરતી આફતોથી ખેડૂતોની હાલત દયનીય બની
બનાસકાંઠામાં ચોમાસે કમોસમી વરસાદ, શિયાળે તીડ પ્રોકપને લઈ ખેડૂતોને વ્યાપક નુકશાન તવા પામ્યું છે. જેનુ હજી ખેડૂતોને વળતર પણ ચુકવવામાં આવ્યું નથી ત્યારે કેનાલોમાં ગાબડાં પડવાનું સિલસિલો યથાવત રહેતા જગતનો તાત પીસાઈ રહ્યો છે.
કેનાલો તૂટતા ખેતરોમાં રેતી, કપચી અને પથ્થરો આવે છે, ખેડૂતો
સરહદી વિસ્તારમાં કેનાલો જમીનથી ૪ થી પાંચ ફૂટ ઊંચી છે અને કેનાલની કામગીરીના કામમાં કોઈ ઢંગ નથી તેથી પાણી આવતાની સાથે વારંવાર ગાબડાં પડે છે અને ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી સાથે રેતી પથ્થર કપચી ચડી જવાથી ખેડૂતોને મહામહેનતે મજૂરી કરી બહાર ધૂળ કપચી અને પથ્થર કાઢવા પડે છે.