અંબાજી,તા. 17 માર્ચ
2020, મંગળવાર
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં કોરોના વાઈરસની અસર
જોવા મળી રહી છે. ત્યારે મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓ દ્વારા અગમચેતીના ભાગરૃપે ગત
મધ્યરાત્રિથી મંદિરના ત્રણ દરવાજાને બંધ કરી દેવાયા છે. જ્યારે પ્રવેશ માટે મુખ્ય
દ્વાર એવા શક્તિ દ્વારથી જ યાત્રિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી યાત્રાધામ અંબાજી
મંદિર પણ બાકાત રહ્યું નથી. ત્યારે મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓ દ્વારા મંદિરના ત્રણ
દરવાજા અનુક્રમે ૭,૮,૯ને અગમચેતીના ભાગરૃપે
બંધ કરી યાત્રિકોને એક જ માર્ગ એટલે કે શક્તિદ્વારથી જ આજે વહેલી સવારથી દર્શન માટેનો
પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં દર્શન કરવા જતાં પહેલા દરેક યાત્રિકોને ફરજીયાત
હાથ ધોઈને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત યાત્રિકોને ટોળામાં ન જવાની સુચના
આપવામાં આવેલ છે. અને એકલ-દોકલમાં જવું તેવું જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત મંદિરમાં
ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ અને અન્ય સ્ટાફને મોં ઉપર ફરજીયાત માસ્ક પહેરવું તેવો આદેશ
પણ આપવામાં આવેલ છે. અને મંદિરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ખોલવામાં આવેલ છે. જેથી
શરદી, ખાંસી, તાવ ધરાવતા યાત્રિકોને ચેકઅપ
કરી જરૃરી દવાઓ પણ આપવામાં આવી રહી છે. કોરોનાની ઈફેક્ટના કારણે અંબાજીમાં યાત્રિકોની
સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનો ભય ઓછો નહી થાય ત્યાં સુધી મંદિર
ટ્રસ્ટમાં અગમચેતીરૃપે સખ્ત તકેદારી રાખવામાં આવશે તેવું ટ્રસ્ટના સૂત્રો દ્વારા જણાવવામાં
આવેલ છે.