ગઠામણના વર્ષો જુના દબાણો દૂર કરવા હાઈકોર્ટે આદેશ કરતા તંત્ર દોડતું થયું
- ગામના દબાણો શોધવા છ તલાટીઓની સમિતિ રચાઈ
- તપાસ સમિતિને પાંચ દિવસમાં દબાણોનો અહેવાલ રજુ કરવા તાકીદ કરાઈ
પાલનપુર, તા. 27 મે 2020, બુધવાર
પાલનપુર તાલુકાના ગઠામણ ગામના દબાણોનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કોર્ટ દ્વારા ગામના વર્ષો જુના દબાણો દૂર કરવાનો આદેશ કરતા તંત્ર હરકતમાં મુકાઈ જવા પામ્યું છે અને ગઠામણના દબાણો શોધવા માટે પાલનપુર ટીડીઓ દ્વારા છ તલાટીની ટીમની રચના કરવામાં આવી છે અને પાંચ દિવસમાં દબાણો અંગેનો અહેવાલ રજુ કરવા તાકીદ કરવામાં આવી છે. જેને લઈ ગઠામણના દબાણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
કોરોનાના સંક્રમણથી માંડ બહાર આવેલ પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં ફરી એકવાર દબાણોનું ભૂત ુમતા દબાણદારોમાં દોડધામ મચી જવા પામી છે. ગામના ગઠામણના એક અરજદાર દ્વારા વર્ષ ૨૦૧૪માં ગામના દબાણો દૂર કરવા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેને લઈ વર્ષ ૨૦૧૯માં હાઈકોર્ટે ગઠામણના દબાણો દૂર કરવા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા દબાણ દૂર કરવાના આદેશનો અનાદર કરવામાં આવતા અરજદાર દ્વારા ફરી કોર્ટમાં દાદ માગવામાં આવતા કોર્ટ પ્રશાસને કડક શબ્દોમાં ગઠામણ દબાણ દૂર કરવા આદેશ કરતા તાલુકા પંચાયત હરકતમાં મુકાઈ જવા પામી છે અને ગઠામણના દબાણો શોધવા માટે જુદા જુદા છ તલાટીઓનીસમિતિની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિતિને તા. ૨૭ થી ૩૦ મે દરમિયાન ગઠામણના દબાણો શોધી તેના કાગળો તૈયાર કરીને તા. ૧ જૂનના રોજ તાલુકા પંચાયતમાં અહેવાલ રજુ કરવા ટીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ ગઠામણ ગ્રામ પંચાયત દ્વારા ગામના ૨૦ જેટલા દબાણદારોને નોટિસો પણ ફટકારવામાં આવી છે. જેને લઈ દબાણદારોમાં દોડધામ મચી જવા પામી છે.