ગઠામણમાં કોરોના સંક્રમણ રોકવા સરપંચને જ હોમ કોરેન્ટાઈન કરી દીધા
- ગામમાં સરપંચની બિનજરૃરી અવરજવર પર પોલીસ દ્વારા પ્રતિબંધ મુકાયો
પાલનપુર, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોઈ કોરોનાના સંક્રમણને રોકવા માટે પોલીસ દ્વારા ગામને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે તેમજ લોકોની બિનજરૃરી અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા ગામના સરપંચને પણ હોમ કોરેન્ટાઈન કરવામાં આવતા અને તેમને ઘર બહાર નીકળવા પર પાબંધી મુકવામાં આવતા કોરોનાના સંકટ સમયે ગામના પ્રથમ નાગરિક પર રોક લગાવવામાં આવતા ગ્રામજનો જરૃરી વસ્તુઓ લાવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
બનાસકાંઠામાં કોરોનાનું ઘર બનેલ ગઠામણ ગામમાં એક અઠવાડિયામાં કોરોનાના પોઝિટિવના ૧૧ કેસ નોંધાતા ગામને સીલ કરવામાં કરવામાં આવ્યું છે અને ગામમાં લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોરોનાના સંક્રમણને રોકવા માટે શંકાસ્પદ લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જેમાં પોલીસ દ્વારા ગામના પ્રથમ નાગરિક એવા ગ્રામ પંચાયતના સરપંચ કુંવરજી ઘેમરજી ઠાકોરને પણ હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમની ગામમાં અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે કોરોનાને લઈ ગઠામણ ગામ બફર ઝોનમાં હોઈ ગામમાં દળવાની ઘંટી હિત દુકાનો સંપૂર્ણ બંધ છે. હાના કપરા સમયમાં તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગ્રામજનોને જીવન જરૃરી ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી રહી છે. જોકે સરપંચના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગના મતે તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં પોલીસ દ્વારા તેમને ઘર બહાર નીકળવા પર પાબંધી મુકવામાં આવી છે. જેને લઈ ગ્રામજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
પોલીસ પોઈન્ટ અંગે રજુઆત કરતા તેમના પર પાબંધી મુકાઈ: સરપંચ
ગઠામણ ગ્રામ પંચાયતના સરપંચ કુંવરજી ઠાકોરે જણાવ્યુ ંહતું કે હું રાતના નવ વાગે મહાદેવ મંદિરના પોલીસ પોઈન્ટ પર ચેકીંગમાં જતા ત્યાં સુધી સુરક્ષા કર્મીઓ જોવા ન મળતા તેમજ પાસધારક શાકભાજીવાળા લોકોને પોલીસ દ્વારા ગામમાં પ્રવેશ આપવામાં ન આવતા આ અંગે મેં પોલીસને રજુઆત કરતા પીએસઆઈ દ્વારા મને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.