Gujarat

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં રાણીની વાવની ઝાંખી દર્શાવાશે

By GS Team
23 Jan 20202 mins read
This article was originally published on 23 Jan 2020
દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં રાણીની વાવની ઝાંખી દર્શાવાશે

પાલનપુર, તા. 22 જાન્યુઆરી 2020,બુધવાર

રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી રાણીની વાવ ઃ જમંદિરનો ટેબ્લો પ્રસ્તુત થશે. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદ્ભુત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું બેનમુન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને તાદ્દશ કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશના જુદા જુદા ૧૬ રાજ્યોના ટેબ્લો આ રાષ્ટ્રીય પરેડ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ ૬ વિભાગોના ટેબ્લો પણ આ પરેડમાં રજુ થશે.

ગુજરાતના પાટણ જિલ્લામાં ઐતિહાસિક સરસ્વતી નદીના સાનિધ્યમાં ૧૧મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ (પહેલા)ના સ્મરણાર્થે બનાવેલી સાત માળની આ વાવ ખરેખર તો શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂનારૃપ મંદિર જેવી ભવ્ય છે. વાવ અને જળાશયો ગુજરાતની જીવાદોરી રહ્યા છે. ત્યારે રાણીની વાવનું વર્ષોથી જલમંદિર તરીકે વિશેષ મહાત્મ્ય  રહ્યું છે. આ ટેબ્લોમાં રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે પ્રસ્તુત કરાશે. જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલા માટલા સાથે ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું છે. રાણીની વાવમાં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ મુખ્ય છે. આ શિલ્પની પ્રતિકૃતિ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવશે. પાટણ હાથશાળના પટોળા માટે પણ પ્રસિધ્ધ છે. સમગ્ર વિશ્વને ગુજરાતની આ બેનમૂન હસ્તકળાનો પણ પરિચય થાય એ હેતુથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે.

ગુજરાત સરકારના રાણીની વાવના ટેબ્લો સાથે કુલ ૨૬ કલાકારો પણ ગુજરાતની કલા- સંસ્કૃતિને દિલ્હીના રાજમાર્ગ પર રજુ કરશે. ટેબ્લોની ઉપર રાણીની વાવમાં વટેમાર્ગુને પાણી પીવડાવતી ગુજરાતી નાર, વાવમાં પાણી ભરવા જતા મા-દીકરી સહિત કુલ ૧૦ કલાકારો હશે. અમદાવાદની પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલની પાંચ વર્ષની વિદ્યાર્થિની કુ. આજ્ઞાા સોની અને ૧૦ વર્ષની વિદ્યાર્થિની કુ. ધ્યાના સોની બાળ પનિહારી તરીકે પ્રસ્તુત થશે. સૌથી નાની વયની આ બંને બાલિકાઓ સમગ્ર પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ૧૬ કલાકારો હાથમાં મટુકી લઈને ગુજરાતી ગરબો હું તો પાટણ શેર ની નાર જાઉં જળ ભરવા, મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા, ગાતાં ગાતાં રાણીની વાવના ટેબ્લો સાથે પરેડમાં જોડાશે.સમગ્ર આ ટેબ્લો રાણીની વાવની આબેહુબ પ્રતિકતિ જેવો તૈયાર થયો છે. દર્શકોને જાણે રાણીની વાવ પ્રત્યક્ષ જોતા હોય એવી અનુભુતિ થયા વિના નહીં રહે.