બનાસકાંઠાના આઠ અને પાટણના બે તાલુકામાં તીડનો રીતસરનો આંતક
- પાટણ-બનાસકાંઠાના ૧૦ તાલુકા તીડના ભરડામાં , ખેડૂતો લાચાર
- સુઇગામથી ૧૨૬ કિમીનું અંતર કાપી તીડ પાલનપુર તાલુકામાં આવી પહોંચ્યા, ખેડૂતો તીડ ભગાવડા ખેતરમાં ઢોલ નગારા વગાડવા મજબુર
પાલનપુર,ડીસા, પાટણ ,થરાદ, લાખણી, તા.20 ડિસેમ્બર, 2019, શુક્રવાર
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા ૧૬ દિવસથી તેમજ પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તીડના ૨૨ કિ.મી.લાંબા ઝુંડે મોટા પાકનો સફાયો કર્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા પોતાના પાક બચાવવા ખેતરોમાં રાત્રી જાગરણ કરી ઢોલ નગારા ખખડાવી તીડને દુર કરવાનો વારો આવ્યો છે. તીડને નાથવા માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે. પરંતુ મોટી સંખ્યામાં આવેલા તીડને રોકવામાં તંત્રને સફળતા મળતી નથી. કેન્દ્રની ૫ ટીમો અને રાજ્યસરકારની ૨૨ ટીમો કામગીરી કરી રહી છે. પરંતુ પવનની દિશામાં ફરતા આ તીડ ધીમે ધીમે પાલનપુર તાલુકાના સમાઢી, ગઢ આવી પહોંચ્યા છે.
પાકિસ્તાન દ્વારા તીડ નિયંત્રણ ન થતા ૪ ડિસેમ્બરના રોજ તીડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પ્રવેશ્યા હતા. અને વાવ, સુઇગામ, દિયોદર, ભાભર અને હવે ડીસા, પાલનપુર તાલુકામાં ગઢ, સામાઢી સહિત પાટણ જિલ્લાના આજુજા, મુના અને જાબડીયામાં તીડ દેખાયા છે. આ તીડ પવનની દિશા બદલાવાથી ચાર ભાગમાં વહેંચાયા છે. જેમાં ડીસા તાલુકામાં મુડેડા તેમજ દિયોદર તાલુકાના રાંતીલા, મકરાડા તો લુહા, ભેસાણા વડિયા, મોજરૃ, વાતમ, અગવાડા, વડાણા, જાલોટા, પાલડી, ઘાડવ જેવા ગામોમાં વહેચાયા છે. જેને લઇ ખેડૂતોએ રાત્રે ઉજાગરા કરી તીડ ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
૨૨ કિ.મી.લાબું ઝુંડ ફરી રહ્યું છે
આ અંગે તીડ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઝુંડ લાલ કલરનું યુવાન અવસ્થાવાળુ તેમજ ૨૨ કિ.મી.લાબું આવ્યું છે. જે ત્રણથી ચાર ભાગમાં વહેંચાઇને પવનની દિશા તરફ ફંટાય છે અને પાકને નુકશાન કરે છે.
હેલિકોપ્ટરથી દવા છંટકાવ શક્ય નથી
આ દવા ૯૬ ટકા પોઇઝન વાળી એટલે કે ઝેરી હોય છે. તીડ હાલ ૪૦ ફુટ ઉપર ઉડી રહ્યા છે. જેથી છંટકાવ મુશ્કેલ બને છે. જ્યારે રહેણાંક વિસ્તાર હોવાથી હેલિકોપ્ટરથી પણ દવા છંટકાવ કરવો મુશ્કેલ બન્યો છે.
ખેડૂતો થાળી, તગારા, ઢોલ વગાડી રહ્યા છે
તીડના ઝૂંડના આક્રમણને દુર કરવા તડકો ઓછો થતાં તેમજ ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં થાળી, ઢોલ, નગારા વગાડી તીડને ઉડાડી રહ્યા છે.
દવા છંટકાવ કરેલ વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધના બેનર લાગ્યા
સરહદી વિસ્તારોમાં તંત્ર દ્વારા તીડનો સફાયો કરવા દવા છંટકાવ કરવામાં આવ્યો છે. ત્યારે તે વિસ્તારમાં ૧૦ દિવસ સુધી પ્રવેશ કરવો નહીં તેમજ પશુઓ અને પ્રાણીઓનો પ્રવેશ થવા દેવો નહિ તેવા બેનરો લાગ્યા હતા.
છેલ્લા સાત દિવસથી અમુક તાલુકાઓ તીડના ભરડામાંં
છેલ્લા સાત દિવસથી બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તીડના ઝુડએ અફરાતફરી મચાવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઇગામ, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, લાખણી સહિતના આઠ તાલુકાને ભરડામાં લીધા છે. જ્યારે પાટણ જિલ્લાના સાંતલપુર અને સરસ્વતી તાલુકામાં તીડ આવી પહોંચતા ખેડૂતો માટે મોટી મુસીબત ઉભી થઇ છે.
પાટણના મુના અને અજુજા ગામે તીડ એ ઉભા પાકને કર્યું નુકશાન
છેલ્લા એક અઠવાડીયાથી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને લઇ ખેડૂત આલમ ચિંતિત છે. ત્યારે પાટણના મુના ગામે તીડ ના આક્રમણને લઇ ખેતરમાં રહેલ એરંડા જીરા અને રાજગરાના પાકને ખુબજ મોટું નુકશાન આવ્યું છે. તીડ ના આક્રમણને લઇ આ પંથકના ખેડૂતો થાળી વેલન સહિત બુમાબુમ કરી તીડને ઉડાડવામાં આખોદીવસ રહ્યા હતા. જોકે છુટાછવાયા તીડ ખેતરમાં નજરે પડયા હતા. અને ખેતીના પાકને નુકશાન કયું હતું.
તીડથી કંટાળી ખેડૂતો જાતે જ પાકનો સફાયો કરવા મજબુર
સરહદી વિસ્તારમાં પહેલા વરસાદ, વાવઝુંડુ અને હવે તીડના પ્રકોપથી કંટાળેલા ખેડૂતોએ પોતાનો પાક જાતે જ નષ્ટ કરવા મજબુર બન્યા છે. સરહદી વિસ્તારમા ંખેડૂતે કંટાળી જાતે જ પોતાના ખેતરમાં એરંડા કાઢી રહેલા જોવા મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતોની દયનીય સ્થિતિ સ્પસ્ટ થઇ રહી છે.
૩૦ થી ૪૦ દિવસનું આયુષ્ય
૩૦ થી ૪૦ દિવસના આયુષ્ય વાળા તીડતે દરમ્યાન ત્રણ વાર ૧૦૦ થી ૨૦૦ ની સંખ્યામાં ઇંડા મુકે છે. આ વખતમાં યુવાન હોવાથી તે ખોરાક ભક્ષી રહેલા છે જેથી મોટા પાકનો સફાયો થઇ રહ્યો છે.
તીડનું ઝુંડ પાલનપુર પંથકમાં ત્રાટક્યું
સુઇગામ થી ફંટાયેલા તીડના ઝુંડ દિયોદર, ડીસા, તાલુકામાં પ્રકોપ વર્તાવ્યા બાદ શુક્રવારના સવારે તીડના ઝુંડે પાલનપુર તાલુકામાં પ્રવેશ કર્યો હતો. જેમાં પહેલા ગઢ પંથકના સમાઢી રામપુરામાં તીડ પ્રવેશ્યા હતા બાદમાં આ તીડ ચંડીસર, ચડોતર,એગોલા, સોનગઢ સહિતના ગામોમાં ફંટાતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા હતા. ખેડૂતો તીડના પ્રકોપ થી વાવેતર ને બચાવવા માટે ખતરોમાં થાળી, તગારા,સહિતના વાસણો ખખડાવી ને તીડ ને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
લાખણીમાં પણ તીડનું આક્રમણ
લાખણી પથકમાંથી ગોળા, ગણતા, ટરૃઆ ભિમગઢથી તીડ આગળ ધાનેરા જવાના સમાચાર મળી રહ્યા છે.તીડ રાત્રે ઓછા ઉડતા હોઇ જયાં પણ રાત્રે ઉતરે ત્યા પાકનો નાશ કરી મુકે છે. તેમ વડીલ ખેડૂતોએ જણાવ્યું સતત કુદરતી આફતો વચ્ચે તિડના આક્રમણે જગતના તાતને વધુ એક વાર લાચાર બનાવી બાનમાં લીધો છે. ત્યારે તંત્રની લાપરવાહી ચર્ચાના ચગડોળે ચઢી છે.
બે થી ત્રણ ઇંચની તીડની સાઇઝ
માત્ર બે થી અઢીથી ત્રણ ઇંચની તીડની જીવાતનો ઉપદ્રવ ડિસાના ગામોમાં જોવા મળ્યો હતો. ઝાબડીયા ગામમાં તીડોના ઝુંડે વૃક્ષો ઢકાઇ જાય તેવી રીતે હુમલો કર્યો હતો. ભોયણ ગામમાં ખેડૂતોએ ધુમાડો કરી વાસણ ખખડાવી તીડોને ભગાડી હતી.