ધાનેરામાં મામાના ઘરે આવેલ ખેડાના કોરોનાગ્રસ્ત યુવકનું મોત
- બનાસકાંઠામાં કોરોનાથી વધુ એક મોત
- મૃતક યુવક કીડની, ટાઈફોઈડ અને ડાયાબીટીસ જેવી ગંભીર બિમારીથી પિડાતો હતો
પાલનપુર,ધાનેરા, તા. 07 મે 2020, ગુરૂવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કારણે વધુ એક યુવકનું મોત થયું છે. ધાનેરામાં મામાના ઘરે આવેલ ખેડાનો ૨૦ વર્ષીય યુવક કીડની, ટાઈફોઈડ જેવી બીમારીઓ ધરાવતો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરુવારના રોજ મોત નિપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં વિવિધ બીમારીમાં સપડાયેલ લોકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યો છે. જેમાં ગત ૨૯ એપ્રિલના રોજ ધાનેરામાં પોતાના મામાના ઘરે આવેલ ખેડાના ૨૦ વર્ષીય યુવક શાહરુખ મુસલા કિડની, ટાઈફોઈડ, ડાયાબિટિસ જેવી બીમારી ધરાવતો હોઈ તેને પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા તેનું સેમ્પલ લઈને ટેસ્ટ કરાવતા બુધવારના રોજ તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે કોરોનામાં સપડાયેલ આ યુવકનું ગુરુવારના રોજ સારવાર દરમિયાન મોત નિપજતા જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો આંક ૨ થયો છે. જોકે અગાઉ પણ વિવિધ બીમારી ધરાવતા પાલનપુર તાલુકાના ભાગળ(જ) ગામની એક વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોવિડ હોસ્પિટલ, પાલનપુરમાં દાખલ કરાયા હતા. જેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ધાનેરાના 15 વ્યક્તિને ક્વોરોન્ટાઈન કરાયા
ધાનેરામાં યુવકને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલ ૧૫ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.