ગઠામણમાં પ્રથમ દિવસે 125 દબાણો ઉપર બુલડોઝર ફર્યું
- તંત્રએ બે દિવસની ઝુંબેશ હાથ ધરી
- ગામના વર્ષો જુના કાચા-પાકા અને જાહેર રસ્તાને નડતરરૂપ દબાણો દૂર કરાયા
પાલનપુર,તા.10 જુલાઈ 2020, શુક્રવાર
પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં જાહેર રસ્તાને નડતરરૃપ તેમજ તળાવ આજુબાજુમાં આવેલા વિવાદિત દબાણોને તોડી પાડવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત તંત્ર દ્વારા બે દિવસીય દબાણ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. જે દબાણ ઝુંબેશના પ્રથમ દિવસે ગામના ૧૨૫ જેટલા દબાણોને દૂર કરવામાં આવતા દબાણદારોમાં દોડધામ મચી જવા પામી હતી.
પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં જાહેર રસ્તાને નડતરરૃપ તેમજ તળાવ આજુબાજુમાં સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે ગામના એક અરજદાર દ્વારા સાત વર્ષ અગાઉ હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવતા કોર્ટે અરજદાર ગઠામણના તરફી દબાણો તોડી પાડવા આદેશ કરતા ગ્રામ પંચાયત દ્વારા ગામના દબાણદારોને નોટીસો આપવામાં આવી હતી. જે બાદ ગામના દબાણો દૂર કરવા તા.૧૦ અને ૧૧ જુલાઈના બે દિવસીય દબાણ ઝુંબેશનું આયોજન કરાયું હતું. જેમાં ૧૦ જુલાઈના રોજ ગઠામણ ગ્રામ પંચાયતના તલાટી અશોકભાઈ જુડાલ સરપંચ કુંવરજી ઘેમરજી દલવાડીયા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી આરવી ઠક્કર અને તેમની ટીમની ઉપસ્થિતિમાં દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ ઝુંબેશના પ્રથમ દિવસે ગામમાં જાહેર રસ્તાને નડતરરૃપ તેમજ તળાવ આજુબાજુમાં આવેલ ૧૨૫ કાચા-પાકા દબાણો પર જેસીબી ફેરવીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. જેને લઈ દબાણદારોમાં દોડધામ મચી જવા પામી હતી.
દબાણદારો નોટીસો આપ્યા બાદ કાર્યવાહી કરાઈ
ગઠામણ ગ્રામ પંચાયતના તલાટી અશોકભાઈ જુડાલે જણાવ્યું હતું કે પાલનપુર તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગઠામણમાં જાહેર રસ્તાને નડતરરૃપ તેમજ તળાવ આજુબાજુમાં સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણોને દૂર કરવા અંગે અગાઉ દબાણદારોને નોટિસો અપાઈ હતી. પરંતુ દબાણો દૂર ન થતા દબાણ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ૧૨૫ દબાણો દૂર કરાયા છે.