Get The App

તાલુકા પંચાયતની બજેટ મિટીંગમાં77 લાખની ગ્રાન્ટ બાબતે ભારે હોબાળો

- ધાનેરા તાલુકાનું ૮.૨૩ કરોડનું બજેટ મંજૂર

- ગત વર્ષે સદસ્યે ગ્રામ પંચાયતને સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટનો ખુલાસો માંગતા ચકમક જરી

Updated: Mar 18th, 2020

GS TEAM

Google News
Google News
તાલુકા પંચાયતની બજેટ મિટીંગમાં77 લાખની ગ્રાન્ટ બાબતે ભારે હોબાળો 1 - image

ધાનેરા,તા. 17 માર્ચ 2020, મંગળવાર

ધાનેરા તાલુકા પંચાયતની સાધારણસભામાં વર્ષ ૨૦૨૦-૨૧ના સામાન્ય અંદાજપત્રને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી. ધાનેરા તાલુકા પંચાયતના મિનિટ હોલ ખાતે નિયત સમય પ્રમાણે બપોરે ૧૨ કલાકે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્યસભાની શરૃઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય હોદ્દો સામાન્ય સભામાં અંદાજપત્રને મંજૂરી આપવાનો હતો. જોકે ધાનેરા તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા ગત વર્ષોમાં આપેલ ગ્રામ પંચાયતોને સ્ટેમ્પ ડયુટીની ૭૭ લાખની ગ્રાન્ટને લઈ ખુલાસો માંગ્યો હતો. જેને લઈ સભામાં પરસ્પર હોબાળા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ રકમનો વપરાશ ક્યાં થયો છે અને કઈ રીતે થયો છે તે બાબતે હિાબ માંગતા આખરે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો. આજની ખાસ સામાન્ય સભામાં ધાનેરા તાલુકા પંચાયતના તમામ સદસ્ય તેમજ જિલ્લા પંચાયત સીટના ચાર સદસ્ય પણ હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત દ્વારા આજની સાધારણસભા અંદાજપત્રની કોપી આપતા ફરી તાલુકા પંચાયત સદસ્યો વિફર્યા હતા અને સામાન્ય અંદાજપત્રને નામંજૂર કરવાનું જણાવ્યું હતું. ગુજરાત પંચાયત ધારા પ્રમાણે કારોબારીની બેઠકમાં સામાન્યસભાના એજન્ડા તેમજ અંદાજપત્રની કોપી અગાઉ ૧૫ દિવસ પહેલા આપવાની જોગવાઈનો હવાલો આપી આ સામાન્ય સભા ફરી બોલાવવા માટે માંગણી કરાઈ હતી. જોકે તાલુકા પંચાયત કારોબારી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સાથે તાલુકા પંચાયતના સદસ્યોની બંધ બારણે બેઠક યોજાતા આખરે તમામ સદસ્યો માની ગયા હતા.

 

બે કલાકની બેઠક બાદ મંજૂરી મળી

સાધારણ સભામાં તાલુકા પંચાયતના તમામ સદસ્યોને ગ્રામ પંચાયતમાં થતા વિકાસના કામોની માહિતી આપવી તેમજ તાલુકા પંચાયત ખાતે થતો ખર્ચ વિશે કોઈ સદસ્ય માહિતી માંગે તો માહિતી આપવી તેવી માંગણી સાથે ૨ કલાકની બેઠક બાદ આખરે ૨૦૨૦-૨૧ના અંદાજપત્રને મંજુરી અપાઈ હતી. જેમાં તાલુકા પંચાયતના ભંડોળની રકમ ૫ કરોડ ૬૪ લાખ ૮ હજાર ૬૦૮ તથા સરકારી ગ્રાન્ટ સાથે ૮ કરોડ ૨૩ લાખ ૪૬ હજાર ૧૯૨ પુરાંતવાળુ બજેટ મંજુર થયાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

ટીડીઓ શું કહે છે?

ટીડીઓનો સંપર્ક સાધતાં તેઓએ જણાવેલ કે ૧૯૭૭ની ૭૭ લાખની ગ્રાન્ટ બારોબાર ખર્ચાઈ ગયેલ તે બાબતે ઉગ્ર ચર્ચા થઈ હતી. જે બાબતે હું ઈન્ચાર્જ ટીડીઓ તરીકે હોઈ એક માસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતો બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું.

Tags :