FOLLOW US

સુઇગામ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરતસિંહ ગોહિલ પર થરાદમાં પ્રાણઘાતક હુમલો કરાતાં ચકચાર

Updated: Sep 9th, 2022


- મોટાભાઈની પત્ની ખીમાંણા પાદરમાં સરપંચ તરીકે ચૂંટણી જીતી જતાં અદાવતમાં હુમલો કરાયો, 16 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

વાવ, તા. 09 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

વાવ તાલુકાના ખીમાંણા પાદર ગામમાં મોટાભાઈની પત્ની સરપંચ તરીકે જીતી જતાં સામાં પક્ષના ઈસમોએ ચૂંટણીની અદાવત રાખી પાડણ ગ્રામ પંચાયતના સરપંચ પતિ તેમજ સુઇગામ તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર હુમલો થયો છે. ખીમાંણા પાદર ગામના 15 અને વાવના એક ઈસમ મળી કુલ 16 ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી થરાદમાં કામ અર્થે ગયેલા ભરતસિંહ ગોહિલ પર હત્યા કરવાના ઇરાદે ઘાતક હથિયારોથી હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતસિંહને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. બનાવ સંદર્ભે થરાદ પો. સ્ટેશને 16 ઈસમો વિરુદ્ધ હત્યા કરવાની કોશિશ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

બનાવની પ્રાપ્ત વિગત  મુજબ વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલના મોટા પુત્ર નટવરસિંહ અને રણજીતસિંહ વાવ તાલુકાના ખીમાંણા પાદર ખાતે રહે છે. ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નટવરસિંહ ગોહિલના પત્ની રતનબેન અને ગામના રણછોડભાઈ રાણાભાઈ ગોહિલ સામસામે ચૂંટણી લડેલા જેમાં રતનબેન સરપંચ તરીકે વિજેતા બનેલાં જેનું મનદુઃખ રાખી તેમના પરિવારને જાનથી મારી નાખવાની સતત ધમકી મળતી હોઈ 3 અરજીઓ આપી પરિવાર પર જાનનું જોખમ હોવાની દહેશત વ્યક્ત કરેલ. દરમ્યાન આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરું રચી પાડણ તા. સુઇગામ ના સરપંચ પતિ તેમજ સુઇગામ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ ભરતસિંહ ગોહિલની હત્યા કરવા માટે રેકી કરતા હતા. લાગ આવ્યે તા. 7 સપ્ટેમ્બરના રોજ ડાભલી વાસ ખાતે સામાજિક પ્રસંગમાં ગયેલા ભરતસિંહના લોકેશન બાબતે આરોપી શંકર વાઘાએ અન્ય આરોપીઓને માહિતગાર કરેલા. બાદમાં ભરતસિંહ થરાદ જૂની ગઢવી હોસ્પિટલ નજીક ઓફિસનું કામ ચાલતું હોઈ ત્યાં ગયેલા. ત્યાંથી કાંઈક કામ હોઈ વણાજીની લાટી પાસે આવેલ ભારત કરંટ ટુલ્સ હાર્ડવેર પાસે ગયેલા તે સમયે સફેદ કલરની સ્વીફ્ટ ગાડી અને બોલેરો ગાડીમાં 14 લોકો હાથમાં લોખંડની ટોમીઓ લઈ પહોંચ્યા હતા. ભરતસિંહની હત્યા કરવાના ઇરાદે હુમલો કરી આડેધડ મારવા લાગેલા જેમાં ભરતસિંહને બન્ને હાથ અને બન્ને પગે તેમજ માથાના ભાગે ફેક્ચર થતાં ગંભીર ઇજાઓ થઈ છે. મારથી બચવા બચાવો બચાવોની બુમો પાડતાં દોડી આવેલા ભરતસિંહના ભાઈ રણજીતસિંહ અને અન્ય લોકોએ વચ્ચે પડી વધુ મારથી બચાવેલા. દરમ્યાન આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતસિંહને તાત્કાલિક થરાદની ખાનગી હોસ્પિટલ સદગુરૂ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરેલા જ્યાં પ્રાથમિક સારવાર બાદ બેભાન અને ઇજાગ્રસ્ત ભરતસિંહને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત ભરતસિંહના ભાઈ રણજીતસિંહે થરાદ પો. સ્ટેશને ખીમાંણા પાદરના 15 અને વાંઢીયાવાસ વાવના એક ઈસમ મળી કુલ 16 ઈસમો વિરુદ્ધ રાયોટિંગ, હત્યાની કોશિશ, સહિતની કલમો સાથે ગુનો નોંધી વધુ તપાસ થરાદ પી.આઈ ચલાવી રહ્યા છે. એક જ સમાજના લોકો વચ્ચે ગંભીર ઘટના બનતા બનાવને પગલે લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓ

1. અભા રૂપસી પુંજા ગોહિલ

2. શંકર વાઘા ગોહિલ

3. ભમર રાણા બુકણીયા

4. રમેશ શંકર વાઘા ગોહિલ

5. ભાવેશ ઈશ્વર બુકણીયા

6. બબા દુદા પચાણ ગોહિલ

7. લાલા દુદા ખેમાં ગોહિલ

8. ભમર શંકર પથુ ગોહિલ

9. રણછોડ રાણા ગોહિલ

10. હિતેશ પરાગ અરજણ ગોહિલ

11. હઠા નારણ બુકણીયા 

12. શંકર પથુ ગોહિલ

13. વિક્રમ હરસેગ ગોહિલ

14. સિદ્ધરાજ ગણેશ પચાણ ગોહિલ

15. પરાગ અરજણ ગોહિલ..તમામ રહે ખીંમાણા પાદર તા. વાવ.

16. અલ્પેશ ભૂરા વેંઝિયા, રહે. વાંઢીયા વાસ, તા. વાવ

Gujarat
IPL-2023
Magazines