સિપુ ડેમ તળિયા ઝાટક, દાંતીવાડા ડેમમાં માત્ર 8 ટકા પાણી
- બનાસકાંઠામાં પાણીની વિકટ પરિસ્થિતિ
- બે વર્ષથી નબળા ચોમાસાને લઈ ભૂગર્ભ જળ સ્તર ઉંડા વરસાદ વિના બનાસ નદી પણ કોરી ધાકોર
પાલનપુર,તા.16
ઉત્તર ગુજરાતમાં અપૂરતા વરસાદની સૌથી વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં દેખાઈ રહી છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનાના ૧૪ દિવસ થઈ ગયા હોવા છતાં પણ પૂરતો વરસાદ ન થતા ખેતીનો પાક પણ સુકાવા લાગ્યો છે. જિલ્લામાં સિપુ ડેમ સાવ તળિયા ઝાટક થયા બાદ દાંતીવાડા ડેમમાં માત્ર ૮.૬૨ ટકા પાણી બચ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષ થી નબળા ચોમાસાને લઈ ભૂગર્ભ જળ સ્તર દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યાં છે જેને લઈને પિવા અને સિંચાઇ માટેના પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. જિલ્લામા વાવેતર માટે જીવાદોરી સમાન દાંતીવાડા, મોકેશ્વર અને સિપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી અપાતું હતું પરંતુ ડેમમાં અપૂરતા પાણીને લઈ થોડા સમય અગાઉ સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરી દેવાયું હતું. હાલમાં વરસાદ ખેંચાતાં સિપુ ડેમ તળિયા ઝાટક છે. ડેમમાં માત્ર ૦.૮૦ ટકા જ એટલે કે એક ટકો પણ પાણી બચ્યું નથી જેને ડેમ આધારીત લોકોને સિંચાઇ માટે જ નહીં પણ પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિના એંધાણ છે. સિપુ ડેમની કુલ સપાટી ૧૮૬.૪૩ મીટર છે, પરંતુ હાલ ડેમ ખાલી પડયો છે આ ડેમ ૨૦૧૭માં પાણીથી ભરાયો ત્યારે ડીસા તાલુકાના ૨૫ ગામને સિંચાઇ માટે પાણી આપવામાં આવતું હતું.જોકે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તાર અને પાટણ જિલ્લા માટે આશિર્વાદ સમાન દાંતીવાડા ડેમમાં પણ હવે માત્ર ૮.૬૨ ટકા પાણી બચ્યું છે. દાંતીવાડા ડેમ ૬૦૪ ફૂટનો સપાટી ધરાવે છે. હાલ ૫૫૦.૯૫ ફૂટ સપાટી છે. હાલમાં દાંતીવાડા ડેમમાં ૧૧૯૯.૫૩૬ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દાંતીવાડા ડેમમાંથી હાલ દાંતીવાડા, ડીસા, અને પાલનપુરના ૮૭ જેટલા ગામડાઓમાંન પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે અને ડેમમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવા માટે સિંચાઇનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે જેને લઈ ખેડૂતોને ભર ચોમાસે પણ સિંચાઈના પાણી માટે વલખાં મારવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
ભર ચોમાસે પાણીની પારાયણ
બનાસકાંઠામાં પહેલા વરસાદમાં કરેલું વાવેતર વરસાદના અભાવે સુકાઈ રહ્યું છે ડેમમાંથી કેનાલ દ્વારા અપાતું પાણી બંધ કરાયું હોઈ વાવેતરને બચાવવા ખેડૂતો લાચાર છે. ઉપરવાસમાં વરસાદ થાય તો જ સીપુ તેમજ દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો થાય તેમ છે પરંતુ ઉપરવાસમાં પણ વરસાદ ખેંચાતાં બન્ને ડેમના તળીયા દેખાઈ રહ્યા છે
છેલ્લા બે વર્ષથી અપૂરતાવરસાદને લઈને જળ સંકટ સર્જાયું
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે નબળું ચોમાસુ વીત્યું હતું અને ચાલુ વર્ષે ચોમાસાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવા છતાં પણ વરસાદ ખેંચાઈ રહ્યો હોય ભૂગર્ભ તળ ઉંડા જતા અને તળાવ સરોવરના પાણી સુકાઈ જતા જિલ્લામાં જળ સંકટની સ્થિતિ સર્જાઈ છે
માત્ર ૨૮ ટકા વરસાદ, ખેતી માટે ચિંતાજનક
બનાસકાંઠામાં ચોમાસાની સિઝનમાં મોટાભાગમાં બાજરી, જુવાર, મગફળી, ઘાસચારા સહિતનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ચોમાસુ સીઝનમાં અત્યાર સુધી ૨૮ ટકા વરસાદ થયો છે જે સરેરાશ કરતા ખૂબ જ ઓછો છે. ત્યારે હવે આગામી બે ચાર દિવસ દરમિયાન જો વરસાદ નહિ આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.