તીવ્ર ઠંડી વચ્ચે 13 જાન્યુઆરીએ વરસાદી ઝાપટાની શક્યતાઃઆબુમાં -3 ડિગ્રી
- કાતિલ ઠંડીનું મોજું, ડીસામાં પારો 6.1
- ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10થી નીચે
ડીસા,અમીરગઢ, તા. 10 જાન્યુઆરી 2020, શુક્રવાર
ગુજરાતભરમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એકાએક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડીને ૧૦થી નીચે પહોંચી ગયો છે. ડીસા શહેરમાં પણ લઘુત્તમ તાપમાન ૬.૧ ડિગ્રી પહોંચી જતા તીવ્ર ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો હતો. બીજી બાજુ લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાતા જનજીવન ખોરવાઈ ગયું હતું. હજુ પણ લઘુતમ તાપમાનમાં કોઈ વધુ ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગે કોલ્ડવેવની ચેતવણી પમ જારી કરી છે. દક્ષિણ, પશ્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે તેની સાથે ઉત્તર, પૂર્વથી ઉત્તરના ઠંડા પવનોનું જોર વધતા બનાસકાંઠા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે.
રાજ્યમાં વહેલી સવારથી ઠંડા અને સુસવાટા મારતા તોફાની પવન વચ્ચે લોકો જોરદાર રીતે ઠુંઠવાયા હતા. ઠંડીથી બચવા લોકોને ગરમ કપડા, સ્વેટર, ટોપી, મોજા પહેરવાની ફરજ પડી હતી. જ્યારે ભારે પવનથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે. જોકે આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડયો છે. જ્યારે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૃ તયો છે. હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાના સાઉથ, વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. એક્યુવેધર મુજબ ૧૧થી ૧૩ જાન્યુઆરી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળશે. જ્યારે આગામી ૧૩ જાન્યુઆરીના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે.
જોકે શરૃ થયેલા ટ્વેન્ટી ટ્વેન્ટીના નવા વર્ષમાં પ્રથમવાર ડીસા પંથકમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નીચ ેજતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં પડેલી કાતીલ ઠંડી બાદ હવામાનમાં અચાનક પલટો આવતા આકાશમાં વાદલો છવાતા ઠંડીનું પ્રમાણ ઘટયું હતું અને તાપમાન ઉંચકાતા ૧૫ ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો હતો. પરંતુ નવા વર્ષના બીજા સપ્તાહે ફરી એકવાર ઠંડીની મોસમ જામી છે. આકાશમાંથી વાદળો છુટા થતા ુઉપરાંત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પડી રહેલી બરફવર્ષાને ઠંડીનો ચમકારો આવ્યો છે. જ્યારે પવનની દિશા બદલાતા સાથે જ ઠંડીનું જોર વધતા સમગ્ર પંથકમાં ઠંડા અને સુકા પવનોને કારણે ફરી એકવાર કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીને લઈ રવિ સિઝનના પાકોને પણ ફાયદો થવાની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ખેતરોમાં ઝાકળના કારણે બરફની છારી બાજેલી જોવા મળી હતી. જેને લઈ વધુ પડતી ઠંડી ખેતીના પાકોને પણ નુકસાન કરી શકે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. ડીસા સહિત જિલ્લાભરમાં નવા વર્ષના બીજા જ સપ્તાહમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો આકસ્મિક ગગડતા કાતિલ ઠંડી પડતા ફરી એકવાર સમગ્ર જિલ્લાના જનજીવન ઉપર માઠી અસરો વર્તાઈ રહી છે.
માઉન્ટઆબુમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી નીચું તાપમાન
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢની નજીક આવેલ રાજસ્થાનના પ્રસિધ્ધ પર્યટક સ્થળ માઉન્ટઆબુમાં ઠંડીનો કહેર યથાવત રહેતા માયનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા માઉન્ટઆબુ બરફના બેટમાં ફેરવાઈ ગયેલ છે.
રાજસ્થાનના શિરોહી જિલ્લામાં આવેલ એકમાત્ર હિલસ્ટેશન છેલ્લા એક માસથી ઠંડીનો કહેર યથાવત રહેતા સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જ્યારે શુક્રવારની સવારનું તાપમાન માયનસ ત્રણ ડિગ્રી નોંધાયું હતું. જે આગળના દિવસ કરતા એક ડિગ્રી ગગડયું હતું. જેથી સમગ્ર માઉન્ટઆબુમાં બરફના પડો છવાયા હતા. માઉન્ટઆબુમાં ગત વર્ષે માયનસ ચાર ડિગ્રી સુધી તાપમાન નોંધાયેલ હતું. જે આ વર્ષે અત્યાર સુધીમાં માનયસ ત્રણ ડિગ્રી સુધી પહોંચેલ છે. ઉત્તર ભારતમાં સતત થયેલ હિમવર્ષાથી આ વર્ષે ગત વર્ષના રેકોર્ડને પાર કરે તેવું હવામાન ખાતા તરફથી આગાહી કરવામાં આવી રહી છે. છેલ્લા દસ વર્ષના રેકોર્ડ ઉપર એક નજર કરવામાં આવે તો માઉન્ટ આબુમાં માયનસ છ ડિગ્રી સુધી તાપમાન પહોંચેલ છે. જે માઉન્ટઆબુના સૌથી ઉંચી ચોટી અઢાર કિલોમીટરની ઉંચાઈ પર આવેલ ગુરુશિખર પર માયનસ આઠ ડિગ્રી સુધી તાપમાન ગયે હતું. આવા તાપમાનમાં ત્યાં બરફની દિવાલો શિખરો ખડકાઈ ગઈ હતી. આ વર્ષે મોસમ સતત ઠંડુ થતા હજુ સુધી તાપમાન ગગડવાની આગાહીઓ થઈ રહી છે. સતત એક માસથી બરફ છવાતા સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠયા છે. મોડે સુધી સુર્યદેવના દર્શન ન થતા રોજિંદા કાર્યોમાં વિલંબ થતા જનજીવન પર માઠી અસર પડતા અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે. જેથી સહેલાણીઓમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. જે સહેલાણીઓ મોસમની મજા માણવા માટે ગયેલ છે તેઓ માત્ર તાપણાનો સહારો લઈ રહ્યા છે. માઉન્ટઆબુની શૈક્ષણિક સંસ્થાઓમાં બે માસનું લાંબુ વેકેશન પાડી દેવામાં આવ્યું છે.
ડીસામાં જાન્યુ.માં નોંધાયેલ સૌથી લઘુતમ તાપમાન
તારીખ લઘુતમ તાપમાન
૧૪-૦૧-૨૦૧૦ ૭.૭
૦૩-૦૧-૨૦૧૧ ૫.૮
૧૯-૦૧-૨૦૧૨ ૬.૮
૦૬-૦૧-૨૦૧૩ ૬.૮
૦૬-૦૧-૨૦૧૪ ૬.૪
૧૮-૦૧-૨૦૧૫ ૮.૫
૨૩-૦૧-૨૦૧૬ ૮.૧
૧૨-૦૧-૨૦૧૭ ૬.૦
૦૩-૦૪-૨૦૧૮ ૯.૦
૨૮-૦૧-૨૦૧૯ ૭.૦
૧૦-૦૧-૧૯૫૪ ૨.૭