સુઈગામ પંથકમાં તીડના છુટાછવાયા તીડના ઝુંડ ત્રાટક્યા
- ખેતી વિભાગે દવાનો છંટકાવ કર્યો
- કોરેટી, ચારા, રડકા અને મોરવાડામાં તીડ પ્રકોપથી ધરતીપુત્રો બેહાલ
પાલનપુર, તા. 18 જૂન 2020, ગુરૂવાર
કુદરતી આફતોથી ઘેરાયેલા બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે સરહદી વિસ્તારમાં તીડ આફત બનીને ત્રાટકતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે ખેતીવાડી તંત્ર દ્વારા વાવેતરને તીડ પ્રકોપથી બચાવી લેવા તીડ પ્રભાવિત ગામોમાં દવાનો છંટકાવ શરૃ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી એક બાદ એક કુદરતી આફતો વર્તાઈ રહી છે. જેમાં વર્ષ ૨૦૧૭માં પુર હોનારત, ૨૦૧૮-૧૯માં અછત અને ૨૦૨૦માં કોરોના, કમોસમી વરસાદ અને તીડની આફતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા અઢી માસથી કહેર વર્તાવી રહેલ કોરોના સામેના લોકડાઉનને લઈ ગરીબ અને મધ્યમવર્ગ આર્થિક સંકડામણ ભોગવી રહ્યો છે. બીજી બાજુ વિવિધ વિસ્તારમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તે વચ્ચે રાજસ્થાન અને કચ્છના રણ તરફથી આફત બનીને આવેલા તીડ ખેતરોમાં ઉભેલા મહામુલા પાકનો નાશ વાળી રહ્યા છે. જે વચ્ચે સુઈગામ તાલુકામાં બુધવારની સાંજે કચ્છના નાના રણમાંથી છુટાછવાયા તીડના ઝુંડ ત્રાટક્યા હતા. જેમાં કોરેટી, ચારા, રડકા અને મોરવાડામાં તીડના ઝુંડે દેખાતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી અને તીડથી વાવેતરને બચાવી લેવા ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવતા ૧૦ ટીમો દ્વારા તીડ પ્રભાવિત ચાર ગામના ૧૦ હેક્ટર વિસ્તારમાં દવાનો છંટકાવ કરીને તીડનો સફાયો કરવામાં આવ્યો હતો. જોકે હજુ પણ છુટાછવાયા પ્રમાણમાં તીડ ઉડતા હોઈ પવનની દિશા બદલાવાને લઈ તીડ રણ તરફ ફંટાવાની જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ખેતીવાડી અધિકારીનું શું કહેવું છે ?
રાજસ્થાન બોર્ડરથી તીડના ઝુંડના પ્રવેશ બાદ અનેક ખેડૂત પરિવારોએ કરેલા રવીપાકને નષ્ટ કરવામાં આવતા સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી આગળ વધતા તીડના ઝુંડનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. બુધવારે મોડી સાંજે તેમજ બીજા દિવે સવારે તાલુકાના ઘંટીયાળી, જામપુર, મલુપુર જેવા ગામોમાં છુટાછવાયા ઉડતા તીડ જોવા મળ્યા હતા. ખેતીવાડી અધિકારી ભરતભાઈ ચૌધરીને પુછતાં જણાવ્યું હતું કે અમુક ગામોમાં છુટાછવાયા તીડ ઉડી રહ્યા છે. પણ હજુ સુધી ક્યાંય નુકસાન પહોંચાડે તેવી સંભાવના નથી.