Get The App

બનાસકાંઠાના સફિન હસન ભારતના સૌથી નાની વયના IPS બન્યા

- 24 વર્ષના IPSને જામનગરમાં પ્રથમ પોસ્ટિંગ

Updated: Dec 13th, 2019

GS TEAM


Google News
Google News
બનાસકાંઠાના સફિન હસન ભારતના સૌથી નાની વયના IPS બન્યા 1 - image


પાલનપુર, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર

બનાસકાંઠા જિલ્લાના કાણોદરના ૨૪ વર્ષના સફિન હસને યુપીએસસીની પરીક્ષા પાસ કરી સમગ્ર ભારતમાં સૌથી નાની વયના આઈપીએસ અધિકારી બનતા યુવાનોના રોલ મોડલ બની ગયા છે. ગરીબ પરિવારમાં ઉછરેલા અને નાનપણથી જ કલેક્ટર અને આઈપીએસ બનવાનો લક્ષ્ય રાખી અભ્યાસ કરતા સફિન હસનની આજે જામનગર ખાતે આઈપીએસ તરીકે પોસ્ટિંગ થતા પરિવાર સહિત સમગ્ર બનાસકાંઠામાં યુવાનોના રોલ મોડલ બની ગયા છે.

કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. આ પંક્તિ સાચા અર્થમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામના સફિન હસને માત્ર ૨૪ વર્ષની સૌથી નાની વયે ભારતમાં આઈપીએસ ઓફિસર બની સાર્થક કરી બતાવી છે. સામાન્ય પરિવારમાં ઉછરેલ સફિન હસને પોતાનો અભ્યાસ ગામમાં કર્યો હતો.

માતા નસીબબેન અને પિતા મુસ્તાફભાઈએ સફિનનું શિક્ષણ કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં કરાવ્યુ ંહતું.  બાદ ગામની જ સરકારી માધ્યમિક ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હતો. બાદ સુરત ખાતે ઈસી એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા રાજ્યમાં ૩૪મો ક્રમાંક મેળવી પાસ કરી હતી. 

જેમાં જિલ્લા રજીસ્ટ્રાર તરીકે નિમણુંક થઈ હતી પરંતુ  બાળપણથી જ આઈપીએસ બનવાનો લક્ષ્ય લઈ ચુકેલા સકીલ હસને જિલ્લા રજીસ્ટ્રારની જોબ નકારી હતી અને વર્ષ ૨૦૧૭માં યુપીએસસીની મેઈન પરીક્ષા આપવાની હતી તે સમયે અકસ્માત થતા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ હિંમત ન હારી અને પરીક્ષા આપી હતી અને ભારતમાં યુપીએસસીની પરીક્ષામાં ૫૭૦મો ક્રમાંક મેળવી પાસ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી આઈપીએસ અધિકારી તરીકે સૌ પ્રથમ જામનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું.

બનાસકાંઠાના સફિન હસન ભારતના સૌથી નાની વયના IPS બન્યા 2 - image

સફીનને બાળપણથી જ આઈપીએસ બનવાનું સ્વપ્ન હતું: માતા-પિતા

માતા નસીબબેને જણાવ્યું હતું કે સફિનને બાળપણથી જ આઈપીએસ બનવાનું સ્વપ્ન હતું. જેને લઈ અમોએ ૧૪ વર્ષ સુધી હીરા ઘસી જરૂરિયાતમંદ લોકોને રોટલી બનાવી આપી તેમજ પિતાએ ઈલેક્ટ્રિશિયનમાં કામ કરી સફીનને આગળ અભ્યાસ કરવામાં મદદ કરી હતી ત્યારે આજે આઈપીએસ બનતા અમને ખૂબજ આનંદ થયો છે.

આઈપીએસ બવાનો વિચાર ક્યાંથી આવ્યો ?

સફિન હસન ૧૦ વર્ષની ઉંમરે માસી સાથે શાળામાં ગયો હતો ત્યાં  લાલ લાઈટની ગાડી સાથે કલેક્ટર આવ્યા હતા. જ્યાં તેમનું લોકો દ્વારા સન્માન કરવામાં આવતા તેમણે માસીને પુછ્યું આ કોણ છે ? સામેથી જવાબ આવ્યો જિલ્લાના રાજા ત્યારથી આવા અધિકારી બનવાનું નક્કી કરી લીધુ હતું.

Tags :