અમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદઃ ભેંસનુ મોત
- કમોસમી વરસાદથી બાજરીના પાકનો સોથ વળી ગયો
અમીરગઢ,તા.01 જૂન 2020, સોમવાર
બનાસકાંઠા જિલ્લાના લોકો વારંવાર કુદરતી પ્રકોપનો ભોગ બની ગયા છે. જેમાં ગઈકાલે રાત્રે પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર સુસવાટા સાથે પવન ફૂંકાયો અને ત્યારબાદ કમોસમી માવઠું થયું હતું. જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા હતા. તો ખેડૂતોને પણ તૈયાર કરેલા બાજરીનો પાક પણ નષ્ટ થઈ ગયો છે. તો વળી અમીરગઢના આંબાપાની ગામે એક ખેતરમાં વિજળી પડતા પણ એક ભેંસનુ મોત થતાં પશુપાલકને નુકસાન થયું છે. ભેંસનુ મોત થતા પશુપાલક આદિવાસી પરિવારની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ કોરોનાને કારણે મજૂરી કામ બંધ છે. ત્યારે માંડ પશુપાલન પર નભતા આદિવાસી પરિવાર ભેંસનું મોત થતા મોટું નુકસાન થયું છે. અગાઉ પણ આ વિસ્તારમાં મહિના અગાઉ લોકડાઉનના સમયમાં કમોસમી માવઠું થયું હતું. ત્યારે પણ અહીંના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આમ વારંવાર નુકસાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.