છાપી હાઈવે વિસ્તારમાં મોડી રાત સુધી ધમધમતી હોટલો ઉપર પોલીસના દરોડા
- જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી
- એસઓજી તેમજ છાપી પોલીસે આઠ હોટલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરતા ફફડા
છાપી,તા.09 જુલાઈ 2020, ગુરૂવાર
બનાસકાંઠ જિલ્લાના વડગામ તાલુકામાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી મોડી રાત સુધી હોટલો તેમજ રેસ્ટોરન્ટ ધમધમતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા છાપી પોલીસ તેમજ એસઓજી પાલનપુર દ્વારા મંગળવારે સામુહિક દરોડા પાડી આઠ હોટલો સામે જાહેરનામાના ભંગ કરતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો હતો.
દેશભરમાં કિલર કોરોનાને લઈ હાહાકાર મચ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવા સાથે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમછતાં પાલનપુર-સિદ્ધપુર વચ્ચે છાપી હાઈવે વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ તેમજ ધાબાના સંચાલકો દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી મોડી રાત સુધી હોટલો ચાલુ રાખી લોકોને એકત્રિત કરી સોશ્યલ ડીસ્ટન્સિંગ સહિતના નિયમોનો ભંગ કરી કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવું કૃત્ય કરનાર આઠ હોટલના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો હતો. દરમિયાન અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા પણ ઓચિંતી તપાસ હાથ ધરતા ગંદગી સહિત અનેક ક્ષતિઓ જણાતા બાર હોટલોને નોટિસો ફટકારવામાં આવી હતી. કરફ્યુંનો ભંગ કરનાર હોટલ સંચાલકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહીથી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ સાથે ચકચાર મચી ગઈ હતી.
કઈ હોટલ સામે ગુનો નોંધાયો
(૧) હોટલ એકતા, રજોસણા હાઈવે
(૨) હોટલ એવન પાર્ક, મજાદર હાઈવે
(૩) હોટલ રોયલ, શેરપુરા હાઈવે
(૪) હોટલ દાવત, શેરપુરા હાઈવે
(૫) હોટલ નેશનલ, શેરપુરા હાઈવે
(૬) હોટલ રાધે ક્રિષ્ના, મજાદર હાઈવે
(૭) હોટલ શિવશક્તિ, મહેંદીપુરા પાટિયા
(૮) હોટલ ઈન્ડીયા, રજોસણા હાઈવે