રાજીવ આવાસની 20 ગુઠા જગ્યા માટે પાલનપુર પાલિકાને લાખો રૃપિયા ભરવાની નોબત
- સદરપુરની રાજીવ આવાસની જમીનને શ્રી સરકાર કરવાનો આદેશ કરાયો
- પાલિકાના શાસકોએ સરકારની મંજૂરી વિના ભુગર્ભ ગટરના પ્લાન્ટ પર રાજીવ આવાસના મકાનો ઉભા કરી દીધા
પાલનપુર, તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
પાલનપુર નગરપાલિકા દ્વારા સદરપુર ગામે રાજીવ આવાસ
યોજનાના મકાનો ઉભા કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જેમાં પાલિકા દ્વારા જમીનનો
હેતુફેર કર્યા વિના તેમજ સરકારની મંજુરી લીધા વિના જ હરિપુરાના બદલે સદરપુરમાં
ભુગર્ભ ગટરના પ્લાન્ટની જગ્યા પર રાજીવ આવાસના મકાનો બનાવી દેવાતા જિલ્લા કલેક્ટર દ્વારા
રાજીવ આવાસની વિવાદિત જગ્યાને શ્રી સરકાર કરવાનો તેમજ પાલિકાના શાસકોને પેનલ્ટી
ભરવાનો આદેશ કરવામાં આવતા પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાલનપુરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબોને
ઘરનું ઘર આપવા માટે સરકાર દ્વારા શહેરના હરિપુરા વિસ્તારના સર્વે નંબર ૧૨૮ અને
૧૨૯માં રાજીવ આવાસ યોજના માટે જમીન ગ્રાન્ટ કરી હતી. પરંતુ પાલનપુર નગરપાલિકાના
સત્તાધીશો આ સોનાની લગડી સમાન જમીન રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવવાને બદલે આ જગ્યા અનામત રાખી સદરપુર ગામે
ભુગર્ભ ગટરના પ્લાન્ટ માટે ફાળવવામાં ઓલ જમીનનો હેતુફેર કર્યા વિના તેમજ સરકારની
પૂર્વ મંજૂરી લીધા વિના જ નગરપાલિકા દ્વારા સદરપુર ગામે રાજીવ આવાસ યોજનાના મકાનો
ઉભા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જેમાં સદરપુર ગ્રામ પંચાયત દ્વારા પણ આ
ગેરકાયદેસર રાજીવ આવાસ યોજનાને લઈને પાલનપુર પાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં
આ જગ્યા ખાલી કરીને રાજીવ આવાસના મકાનો હટાવી દેવા જણાવાયું હતું. પાલનપુર શહેર
ગટરનું ગંદુ પાણી ઠાલવવા માટે સદરપુર ગામે ઓક્સી ડોક્ષી પ્લાન્ટ બનાવવાનો હતો. જે
જગ્યાને પાલનપુર પાલિકાએ રાજીવ આવાસ યોજનામાં ફેરવી નાખતા પાલનપુરના ભુગર્ભ ગટરના
પાણીના નિકાલનો કોઈ માર્ગ રહ્યો નથી. જે અંગે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ
રજુઆતો થતા જિલ્લા કલેક્ટરે સદરપુર ગામના વિવાદિત રાજીવ આવાસ યોજનાની જમીનને શ્રી
સરકાર કરવાનો આદેશ કર્યો છે અને પાલનપુર પાલિકાએ રાજીવ આવાસ માટે ૨૦ ગુઠા જમીન
ગ્રાન્ટ કરવાની છે તેના માટે પાલિકાના પદાધિકારીઓએ લાખો રૃપિયા ચુકવવા પડશે અને જો
આ પદાધિકારીઓ લાખો રૃપિયા નહિ ચુકવે તો પાલિકાને મળતી સરકારની વિકાસની ગ્રાન્ટમાં
કાપ કરવામાં આવશે. જોકે જિલ્લા કલેક્ટરના રાજીવ આવાસ યોજનામાં જમીનને શ્રી સરકાર
કરવાના આદેશથી પાલિકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને પદાધિકારીઓમાં ભારે દોડધામ
મચી જવા પામી છે.
જમીન હેતુફેર કર્યા વિના મકાનો બાંધી દેવાતા જમીન
શ્રી સરકાર કરાઈ
બનાસકાંઠા જિલા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું
કે સદરપુર ગામે ભુગર્ભ ગટરના પ્લાન્ટ માટે ફાળવેલ જમીનનો હેતુફેર કર્યા વિના જ આ
જગ્યા પર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવી દેવાતા
એસ.એસ. આર.ડી. અને મહેસુલ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ સદરપુર ગામની રાજીવ આવાસ
યોજનાની જમીન અને શ્રી સરકાર કરવાના આદેશ કરાયા છે.