થાવર નજીક રેતી ચોરી કરતા નવ ડમ્પર જપ્ત કરાયા
બનાસકાંઠા ખાણ ખનિજ તંત્રનો સપાટો
- ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈઃ જિલ્લામાં રેતીચોરો બેફામ
પાલનપુર, તા. 9. 2019, મંગળવાર
બનાસકાંઠા જિલ્લા ખાણ ખનિજ
તંત્ર દ્વારા થાવર ચેક પોસ્ટ ગોઠવીને રોયલ્ટીની ચોરી કરતા નવ ડંપરને ઝડપી
પાડવામાં આવ્યા છે. જિલ્લામાં બનાસ નદી સહિત વિવિધ નદીઓ તળાવમાં રેત ચોરી અને ખનની
પ્રવૃત્તિ માજા મુકી રહી છે .ભૂમાફિયાઓ દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને
ગેરકાયદેસર રીતે રેત ચોરીનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લા ખાણ
ખનિજ વિભાગ દ્વારા પણ રોયલ્ટી ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં સોમવારની
રાત્રે જિલ્લા ભુસ્તરશાત્રી અને તેમની ટીમે રોયલ્ટી ચોરી ઝડપી પાડવા માટે ઓપરેશન
હાથ ધર્યું હતું. જેમાં રોયલ્ટીની ચોરી કરીને રેતીનું વહન કરતા નવ ડમ્પરને ઝડપી
પાડતા ભુમાફીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લા ખાણ ખનિજ વિભાગે રોયલ્ટી ચોરી અને બીનઅધિકૃત
ખનન પ્રવૃત્તિને રોકવા માટે સઘન
ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં વર્ષ
દરમ્યાન અનેક વાહનો ઝડપીને લાખોનો દંડ વસુલ કરવામાં આવ્યો છે ત્યારે થાવર નજીકથી રોયલ્ટી
ચોરી કરતાં ડમ્પર પસાર થવાના હોવાની બાતમીના આધારે જિલ્લા ભુસ્તરશાસ્ત્રી સુભાષ
જોશીએ સોમવારની રાત્રે થાવર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. જેમાં રોયલ્ટી પાસ વગર
રેતીનું વહન કરતા નવ ડમ્પર આવતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ ડમ્પરોને
થાવર ચેકપોસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા અને ડમ્પર માલિકો વિરુધ્ધ દંડનીય કાર્યવાહી
હાથ ધરવામાં આવી હતી. જોકે રોયલ્ટી ચોરીના આ બનાવમાં ડમ્પર સહિત અંદાજે ત્રમ કરોડ
ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા રોયલ્ટી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ભુસ્તર તંત્રના આ ઓપરેશનમાં આશરે 20 લાખથી વધુના દંડ વસુલાત થવાની શક્યતા વ્યક્ત
કરવામાં આવી રહી છે.