નર્મદાની ભૂગર્ભ પાઈપલાઈન યોજના ખેડૂતો માટે મૃગજળ સમાન
- વાવ તાલુકાના કરોડો રૃપિયાનો ખર્ચ કર્યા બાદ પણ
- અવાર નવાર તુટતી કેનાલો અને પાઈપલાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનું ખેડૂતોનો આક્ષેપ
પાલનપુર તા.31
વાવ અને સુઈગામ તાલુકામાં સિંચાઇ માટે ખેડૂતોને પાણી મળી
રહે તે માટે કરોડો રૃપિયાનાં ખર્ચે ભૂગર્ભ પાઈપલાઇન થકી ખેડૂતોના ખેતરોમાં કુંડીઓ
બનાવવામાં આવી છે.તો વળી રાજ્ય સરકાર દ્વારા ડીઝલથી ચાલતા ફાઈટર પણ આપવામાં આવ્યાં
હતાં. તે કુંડીઓ પરથી આજુબાજુનાં ખેડૂતો પાણી લઈ શકે પરંતુ ભૂગર્ભ પાઈપલાઈનમાં
નર્મદાનું પાણી કેટલીય જગ્યાએ આવતું ન હોવાથી ખેડૂતોને સિંચાઇ માટે પાણીનું બુંદયે
મળતું નથી. એટલુ જ નહીં આ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા
છે.
બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વાવ,થરાદ અને સુઈગામ
તાલુકામાં નર્મદાની કેનાલો થકી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ખેતરે ખેતરે મળે તે
માટેની મહત્વકાંક્ષી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે.તો વળી
ખેડૂતોનાં સ્વપ્નો સાકાર કરવા માટે બનાવેલ યોજનાથી હાલમાં તો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો
અને ભ્રષ્ટ અધિકારીઓનાં સપનાઓ સાકાર થઈ રહ્યાં છે. જેમાં વાવ તાલુકાનાં ખેડૂતોને
ખેતરે ખેતરે સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ
દ્વારા વર્ષ ૨૦૧૫માં ભૂગર્ભ પાઈપલાન નાખવામાં આવી હતી.જે કચરો ભરાઈ જવાથી શોભાના
ગાંઠિયા સમાન બની છે.અને કરોડો રૃપિયા પાણીમાં ગયા હોવાનું ખેડૂતોએ જણાવી રહ્યા
છે. તો ખેતરે ખેતરે અલગ અલગ સાઈઝની પાઈપલાઈન અમુક ચોક્કસ અંતરે નાખી ખેતરોમાં
આર.સી.સી.કુંડીઓ બનાવવામાં આવી હતી. જે કેનાલ મારફત સિંચાઈ માટે પાણી ભૂગર્ભ
પાઈપલાઈનમાં નાખવામાં આવે છે.
ત્યારે હાલમાં તો વાવ પંથકમાં આ યોજના ખેડૂતો માટે મૃગજળ સમાન બની છે.
ઉલ્લેખનીય છે કે સરહદી વાવ પંથકમાં સિંચાઈ માટે ભૂગર્ભ
પાઈપલાઈનો માટે બનાવેલ કુંડીઓ પણ શોભાના ગાંઠિયા સમાન બની છે. અનેક માઈનોર
કેનાલોમાંથી કનેક્શન આપ્યાં છે. તો વળી માઈનોર કેનાલો ભરશિયાળે કોરીધાકોર જોવા મળી
રહી છે.નર્મદાનાં અધિકારીઓની મહેરબાનીથી
દરેક યોજનાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી
રહ્યા છે.