બનાસકાંઠા-પાટણના 350થી વધુ ગામો જૂથ યોજનાના પાણીથી વંચિત
- પાણી પુરવઠા જૂથ યોજનાઓ કાગળ પર રહી
- ગતવર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પાણીની તંગી સર્જાય તેવી સંભાવના
પાલનપુર,
તા. 05 ફેબ્રુઆરી 2020, બુધવાર
પાટણ-બનાસકાંઠામાં ગત વર્ષે ઉનાળામાં કેટલાક ગામોના લોકોને
પીવાલાયક પાણી મેળવવા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જેમાં પાટણ
જિલ્લાના સમી, હારીજ, સાંતલપુર તો બનાસકાંઠાના
સરહદી વાવ, થરાદ, સુઈગામ, અમીરગઢ, દાંતા સહિતના
તાલુકાઓમાં પીવાના પાણી મેળવવા માટે લોકો વિરડા ખોદવા, ત્રણ ત્રણ કિમી
દૂર સુધી ચાલવા તેમજ ટેન્કર ઉપર ચડીને જીવના જોખમે પાણી મેળવવા મજબુર બન્યા હતા
ત્યારે સરકાર સામે પણ અનેક સવાલો ઉઠયા હતા. જેન ેપહોંચી વળવા સરકારે કરોડો
રૃપિયાના ખર્ચે કેનાલો તેમજ બોર દ્વારા પાણી પુરું પાડવા માટે આદેશ કર્યા હતા
ત્યારે હજુ પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કરોડોના ખર્ચે બનેલ પાણી પુરવઠા જૂથ
યોજનાઓ પૈકી ૩૫૦ ગામો સુધી પાણી પુરવઠા જૂથ યોજના પહોંચ ીશકી નથી. જેને લઈ સરકારના
કરોડો રૃપિયા ખર્ચાયા પરંતુ હજુ પણ ઉનાળામાં આ બે જિલ્લાના ૩૫૦ ગામો બિન પીવાલાયક
પાણી પોતાના બોર કૂવામાંથી મેળવે છે. જ્યારે ઉનાળામાં છેવાડાના ગામોમાં પીવાના
પાણીના પોકારો પડી રહ્યા છે ત્યારે લોકો ટેન્કર દ્વારા પાણી મેળવવા મજબુર બને છે.
જોકે ટૂંક સમયમાં યોજનાઓ પૂર્ણ કરવાનું
તંત્રએ જણાવ્યું હતું.
બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તમામ ગામો જૂથ યોજનામાં સમાવેશ
કરેલ છે. તેના અનુક્રમે ધરોઈ તેમજ દાંતીવાડા,
સીપુ ડેમ તેમજ નર્મદા કેનાલ દ્વારા પાણી આપવાની જોગવાઈ છે, પરંતુ કોઈને કોઈ
કારણોસર કરોડોના ખર્ચે બનેલ આ જૂથ યોજનાઓ હોવા છતાં ૩૫૦ કરતા વધુ ગામો જૂથ
યોજનાનું પાણી મેળવતા નથી. જેને લઈને બિનપીવાલાયક પાણી મેળવવા માટે મજબૂર બનતા
ગામોના લોકોને વધુ પડતું ક્લોરાઈડ,
ટીડીએસ, ફ્લોરાઈડ, નાઈટ્રેટ, કેલ્શિયમ તેમજ
ઉંચા પીએચ વાળુ પાણી પીવા મજબૂર બનેલા છે. જેના કારણે પાટણ, બનાસકાંઠા
જિલ્લામાં ઢીંચણના દુઃખાવા, વા, પથરી વગેરે જેવા
રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવતું નથી.
પાણી પુરવઠા યોજનાની ડિઝાઈન ખોટી પડી
વર્ષ ૨૦૦૧માં આ યોજના બનતા ૬૦ લીટર પાણી પ્રત્યેક
વ્યક્તિદીઠ પાણી આપવાનું નક્કી થયા મુજબ ડીઝાઈન બની હતી. હવે ૧૯ વર્ષ બાદ લોકોની
રહેણીકરણી બદલાતા વધુ પાણીની માંગ સાથે ૧૦૦ લીટર પ્રત્યેક વ્યક્તિદીઠ પાણી આપવાનો
નિયમ બનતા ડિઝાઈન હવે ખોટી પડી રહી છે.
૧૬૦ મીડ સામે ૨૪૬ મીડ ની ડિમાન્ડ
ધરોઈ જૂથ યોજના અન્વયે મહેસાણા, પાટણ અને
બનાસકાંઠાના ૨૨૫ ગામમાં ૧૬૦ મીલ્ડ પાણી દરરોજ પુરું પાડવામાં આવે છે. જ્યારે ૨૪૬ ની ડીમાન્ડ છે. જો ૩૫૦ ગામોમાં પણ
પાણી લેવાનું ચાલુ કરે તો ૩૪૦ મીલ્ડની ડિમાન્ડ થાય જે પૂરી પાડવી આ ડિઝાઈન પ્રમાણે
શક્ય નથી. જેથી કરોડો રૃપિયાનો ખર્ચ પાણીમાં જાય તેવુ ંદેખાઈ રહ્યું છે.
પાટણના ૧૩૩ ગામો અને બનાસકાંઠાના ૧૫૧ ગામ વંચિત
પાણી પુરવઠા યોજના પાટણ જિલ્લાના અધિકારીએ જણાવ્યું હતું કે
જિલ્લાના ૩૭૭ ગામ સુધી યોજના અન્વયે પાણી પહોંચી શક્યું છે અને ૧૦૨ ગામોમાં પાણી
પહોંચી શક્યું નથી. જેથી ૩૧ ગામો સ્વૈચ્છિક પાણી મેળવે છે. તો બનાસકાંઠાના
અધિકારીએ જણાવ્યું હતું કે નર્મદા જૂથ યોજના અન્વયે ડીસા તાલુકાના ૧૫૧ ગામોને પાણી
નથી પહોંચતું તેમજ ધરોઈ યોજના અન્વયે ૬૫ ગામો સુધી પાણી નથી પહોંચ્યું.
કઈ જૂથ યોજના ક્યારે અમલમાં આવી ?
- ધરોઈ જૂથ યોજના વર્ષ ૨૦૦૧માં અમલમાં
આવી.
- નર્મદા યોજના વર્ષ ૨૦૦૮થી અમલમાં
આવી.
- દાંતીવાડા યોજના વર્ષ ૨૦૧૨-૧૩માં
અમલમાં આવી.
કઈ યોજના દ્વારા કેટલા ગામોને પાણી પુરું પાડવામાં આવે છે
- મુક્તેશ્વર ડેમ આધારીત વડગામ
તાલુકાના ૩૧ ગામ
- ધરોઈ ડેમ આધારીત પાલનપુર, વડગામ અને દાંતા
તાલુકાના ૩૧૧ ગામ
- સીપુ ડેમ આધારીત દાંતીવાડા, ધાનેરા અને ડીસા
તાલુકાના ૧૩૦ ગામ
- દાંતીવાડા ડેમ આધારીત પાલનપુર, દાંતીવાડા, ડીસા અને અમીરગઢ
તાલુકાના ૮૭ ગામ
- નર્મદા નહેર આધારીત ભાભર, દિયોદર, કાંકરેજ, લાખણી, સુઈગામ, થરાદ અને વાવ
તાલુકાના ૪૭૭ ગામ
- પાતાળકૂવા આધારીત ૭ ગામ અને સાદા
કૂવા આધારીત ૬૨ ગામને આવરી લેવામાં આવ્યા છે.