પાલનપુર: કાંકરેજની માળીગોળીયા ગામની પ્રાથિમિક શાળાને તાળાબંધી કરી
પાલનપુર, તા. 08 ફેબ્રુઆરી 2020, શનિવાર
કાંકરેજ તાલુકાના માળીગોળીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતા સસ્પેન્ડ શિક્ષકના સમર્થનમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી અને સસ્પેન્ડ શિક્ષકને પુનઃ નિમણુંક નહીં અપાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહિ મુકવાની ચીમકી ઉચ્ચારી હતી.
કાંકરેજ તાલુકાના માળીગોળીયા પ્રાથમિક શાળામાં થોડા દિવસ અગાઉ ગાંધીનગરથી શિક્ષણ સચિવ વિનોદ રાવે ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં સ્કૂલમાં એકમ કસોટી અંતર્ગત તપાસમાં શિક્ષક પંકજભાઈ પટેલની અનિયમિતતા જણાઈ આવતા આ શિક્ષકને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે ગામલોકોના મતે સસ્પેન્ડ કરાયેલ શિક્ષક ફરજ પર કાર્યદક્ષ અને નિષ્ઠાવાન હોઈ તેમની નાની ભૂલ માટે સસ્પેન્ડ ની સજા ન હોઈ શકે અને તેમને પુનઃ ફરજમાં નિમણુંક આપવાની માંગ સાથે શનિવારની સવારે શાળાને તાળાબંધી કરાઈ હતી.
જેમાં જ્યાં સુધી સસ્પેન્ડ શિક્ષકને પુનઃ ફરજમાં લેવામાં નહિ આવે ત્યાં સુધી બાળકોને શાળામાં નહિ મોકલીને શિક્ષણનો બહિષ્કાર કરવા તેમજ શાળાની તાળાબંધી યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ શિક્ષણ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.તાળાબંધી મામલે કાંકરેજ ટી.પી. એચ.એ. સોલંકીએ જણાવ્યું હતું કે શાળામાં નિયામક શિક્ષણ સચિવ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં એકમ કસોટી અંતર્ગત કાર્યક્રમમાં શિક્ષકની અનિયમિતતા જણાતા તેમને સસ્પેન્ડ કરાયા હતા.