ખેમાણા ટોલપ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરાતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો
- સ્થાનિકોની માંગો પુરી નહિ કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ
- સ્થાનિકોના વાહનોનો ટોલટેક્ષમાં માફી આપવા અને ટોલ પ્લાઝા પર સવસ રોડ બનાવવાની ઉગ્ર માંગ કરાઈ
પાલનપુર,તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
પાલનપુર ના આબુરોડ હાઇવે પર આવેલ ખેમાણાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવતા આ વિસ્તારના વાહનોને ટોલટેક્ષમાં માફી આપવાની માંગ સાથે સ્થાનિકો લોકો દ્વારા શુક્રવારે ખેમાણા ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરાયો હતો. ફરજિયાત કરાયેલા ફાસ્ટેગમાં લોકલ વાહનોનો ટેક્ષ વસૂલવામાં આવી રહ્યો હોય તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. જેમાં આ વિસ્તાર વાહનોને ટોલ ટેક્ષમાં માફી આપવા તેમજ ટોલ પ્લાઝા પર તાત્કાલિક ધોરણે સવસ રોડ બનાવવાની ઉગ્ર માંગ કરાઈ હતી. અને તેમની માંગો સત્વરે સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તા.૧૫ ફેબ્રુઆરી થી ટોલ પ્લાઝા પર પસાર થતા વાહનોનો ઓનલાઇન ટેક્ષની વસુલાત કરવા માટે ફાસ્ટેટ ફરજિયાત કરાયો હોઈ પાલનપુર થી આબુરોડ જતા નેશનલ હાઇવે પર આવેલા ખેમાણાં ટોલ પ્લાઝા પર પણ વાહનો માટે ફાસ્ટેગ અમલી બનતા આ વિસ્તારના ૨૦ જેટલા ગ્રામીણ વાહન માલિકોને કામ અર્થે ૭ થી ૧૦ કિલોમીટરના અંતરે આવેલ પાલનપુર આવવા જવા માટે ટોલ ટેક્ષ ભરવો પડી રહ્યો હોય સ્થાનિક લોકો ટોલ ટેક્ષમાં માફી આપવા તેમજ ટોલ પ્લાઝા પર લોકલ વાહનો માંટે સવસ રોડ શરૃ કરવા જિલ્લા કલેકટર ને લેખિત રજુઆત કરાઈ હતી.
તેમ છતાં ખેમાણા ટોલ પ્લાઝા પર લોકલ વાહનો પાસે ફાસ્ટેગ મારફતે ટેક્ષ વસુલવામાં આવી રહ્યો હોઈ ખેમાણાં પંથકના ૨૦ ગામોના લોકોએ ફાસ્ટેગને લઈ ભારે હાલાકી ભોગવવી પડી રહી હોઈ શુક્રવારે પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ, દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી, ભાજપ આગેવાન લાલજી પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચો અને આગેવાનો ટોલ પ્લાઝા પર ઉમટી પડયા હતા. જ્યાં રોડ સાઈડ પર બેસી દેખવો કર્યો હતો અને લોકલ વાહનો માટે ટોલટેક્ષ માફ કરવા અને ટોલ પ્લાઝા પર સવસ રોડ બનાવવાની ઉગ્ર માંગ કરી હતી. અને જો તેમની માંગ સત્વરે પૂરી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ દ્રારા સ્થાનિકો ની માંગો સરકાર માં પહોંચાડવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
સ્થાનિકોના દેખાવાને લઈ ટોલ પ્લાઝા પર પોલીસ ખડકી દેવાઈ
ફરજિયાત ફાસ્ટેગનો વિરોધ કરવા ખેમાણાં ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં અહીં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જોકે ધારાસભ્યો સાથે આજુબાજુના સરપંચો અને આગેવાનો દ્વારા ટોલટેક્ષમાં માફિયા અને સવસ રોડ ની ઉગ્ર માંગ કરતા નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓએ સ્થાનિકો ની માંગણીને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આવતા મામલો શાંત પડયો હતો.