લાખણી, અમીરગઢ અને ભાભરમાં 24 કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો
- બનાસકાંઠામાં અડધાથી બે ઈંચ વરસાદ ખાબક્યો
- વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયાઃ હજુ વરસાદ પડવાની આગાહી
પાલનપુર,તા.16 જુલાઈ 2020, ગુરૂવાર
બનાસકાંઠામાં લાંબી રાહ જોવરાવ્યા બાદ મેઘરાજાની શાહી સવારી થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોકે રાત્રે વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થતા ઠેરઠેર મકાનો અને ઢાળીયાના છાપરા ઉડી જતા લોકોને નુકસાન થવાના અહેવાલ સાંપડયા છે. બનાસકાંઠામાં છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી બે ઈંચ ઉપરનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાભરમાં ૫૮ અને લાખણીમાં ૫૭ મીમી જ્યારે પાલનપુર માત્ર ૨મીમી વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં બુધવારના સાંજે થરાદ, લાખણી, ભાભર, દિયોદર, અમીરગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ચોમેર વરસાદી પાણીના ઘોડાપુર ઉમટયા હતા. જેને લઈ વાતાવરણમાં શીતળતા પ્રસરી જવા પામી હતી. જોકે દિયોદર પાલનપુર સહિતના વિસ્તારમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબકતા મકાનો, ઢાળીયાના છાપરા અને શેડ ઉડી ગયા હતા. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જોકે જિલ્લામાં મોડી સાંજે અને રાત્રે વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ઠેરઠેર વૃક્ષ ધરાશાયી થયા હતા. જોકે ચાલુ વર્ષે મેઘરાજાએ લાંબી રાહ જોવરાવ્યા બાદ જિલ્લાભરમાં શાહી સવારી કરતા ખેડૂત આલમમાં ખુશીની લાગણી છવાઈ છે. જોકે છેલ્લા ૨૪ કલાકમાં લાખણી, અમીરગઢ અને ભાભરમાં બે ઈંચથી વધુ અને થરાદ અને દિયોદરમાં એક-એક ઈંચ જ્યારે વાવ, સુઈગામ, કાંકરેજ, ધાનેરા, ડીસા, દાંતીવાડા, વડગામમાં અડધો ઈંચ જ્યારે પાલનપુર, દાંતામાં નહિવત વરસાદ નોંધાયો છે.
દિયોદરના મોજરૃમાં વાવાઝોડાથી ભારે નુકસાન
દિયોદર તાલુકાના મોજરૃ ગામે વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રીથી ગામના ઠાકરાજી કાપડીના મકાનના પતરા ઉડી જતા છત જમીનદોસ્ત થઈ જતા આ પરિવારને મોટું નુકસાન થવા પામ્યું હતું.
છેલ્લા 24 કલાકનો વરસાદ
દાંતા-૪મીમી, પાલનપુર-૨, વડગામ-૨૧, લાખણી-૫૭, અમીરગઢ-૫૦, દિયોદર-૩૨, ભાભર-૫૮, દાંતીવાડા-૧૭, ડીસા-૧૧, કાંકરેજ-૧૦, થરાદ-૩૫, ધાનેરા-૧૧, વાવ-૧૫, સુઈગામ-૧૭ મીમી વરસાદ નોંધાયો હતો.
ભાભરના સણવામાં વીજળી પડતાં બે પશુના મોત
ભાભર,તા.16 જુલાઈ 2020, ગુરૂવાર
ભાભર તાલુકાના સણવા ગામના ખેડૂત ચૌધરી જગાભાઈ મઘાભાઈના ખેતરમાં રહેણાંક મકાન નજીક વીજળી પડતા ઝાડ નીચે ખીલે બંધાયેલી એક ભેંસ અને ગાય સહિત બે પશુઓના મોત થતાં ખેડૂત પરિવારને બે પશુઓના મોતથી નુકસાન થયું છે. ગરીબ ખેડૂતને મોટું નુકસાન થતાં જાણે આભ તુટી પડયું હોય તેવો અહેસાસ કરતુ હતું. આવા ખેડૂતને સહાય ચુકવવા માંગ ઉઠી છે.