પાલનપુરના હાઈવે વિસ્તારના બંધ મકાનમાંથી આભૂષણ અને રોકડની તસ્કરી
- કોઝી વિસ્તારના મોબાઈલ શોપમાંથી તસ્કરો મોબાઈલ સહિત રૂ.3.53 લાખની મત્તા ઉઠાવી ગયા
પાલનપુર,તા.23 ફેબ્રુઆરી 2020, રવિવાર
પાલનપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો જે વચ્ચે ફરી એક વાર તસ્કરોએ બે સ્થળોએ ચોરીઓને અંજામ આપતા લોકોમાં ફપડાટ ફેલાઈ જવા પામ્યો છે. જેમાં તસ્કરોએ હાઈવે વિસ્તારમાં આવેલ આકેસણ રોડ પર અક્ષતમ સોસાયટીના બંધ મકાન તેમજ કોઝી વિસ્તારમાં એક મોબાઈલ શોપના તાળા તોડી રૃ.૫.૩૩ લાખનો મુદ્દામાલ ઉઠાવી જતા લોકોમાં પોતાના જાનમાલના રક્ષણને લઈ ભયનો માહોલ છવાયો છે.
પાલનપુરમાં છેલ્લા માસ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. પોલીસની નિષ્ક્રીયતાના કારણે શહેરમાં ઘરફોડ ચોરીઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જે વચ્ચે ફરી બેફામ બનેલા તસ્કરોએ વધુ બે ચોરીને અંજામ આપ્યો છે. જેમાં કોઝી વિસ્તારના ગીતાજલી કોમ્પ્લેક્ષમાં આવેલ ગુરુ મોબાઈલ શોપમાં તા.૧૯ ફેબુ્રઆરીની રાત્રે તસ્કરોએ દુકાનના તાળા તોડીને દુકાનમાં રહેલ અલગ અલગ કંપનીના રૃ.૩,૨૭,૨૦૦ની કિંમતના ૩૯ મોબાઈલ ૮ હજારની કિંમતનુ લેપટોપ અને ૧૮ હજાર રોકડ મળી કુલ ૩,૫૩,૨૦૦નો મુદ્દામાલની ઉઠાંતરી કરી છૂમંતર થઈ ગયા હતા. આ ચોરી અંગે બીજા દિવસે દુકાન માલિક સુરેશ વિરાભાઈ પટેલને જાણ થતાં તેમને બનાવ અંગે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ચોરીની હજુ તો પોલીસ તપાસ ચાલી રહી છે. જે વચ્ચે શનિવારની રાત્રે ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં હાઈવેના આકેસણ ફાટક બહાર આવેલ અક્ષતમ રેસિડેન્સીમાં રહેતા વડગામ તાલુકાના રજોસણા ગામના વેપારી જૈમિન સુરેશભાઈ પ્રજાપતિનો પરિવાર શનિવારના રોજ પોતાના ગામ રજોસણા ગયો હોઈ તસ્કરોે ચોરી માટે આ પરિવારમાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને રાત્રિના અંધારામાં બંધ મકાનના તાળા તોડી મકાનમાં આવેલ તિજોરી કબાટમાંથી રૃ.૭૫ હજારન કિંમતના બે સોનાના કડા, ૫૦ હજારનું સોનાનું મંગળસૂત્રો, ૨૦ હજારની સોનાની બુટ્ટી, ૨૦ હજારની સોનાની વીંટી તેમજ ૧૫ હજાર રોકડ મળી કુલ રૃ.૧.૮૦ લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે બીજા દિવસે મકાન માલિકને ચોરી અંગે જાણ થતાં તેમને બનાવ અંગે પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ચોરીનું પગેરુ મેળવવા તપાસ હાથ ધરી હતી.
અક્ષતમમાં દાગીના અને રોકડની ચોરી
અક્ષતમ રેસિડેન્સીના બંધ મકાનમાંથી રૃ.૭૫ હજારની કિંમતના બે સોનાના કડા, ૫૦ હજારની કિંમતનુ સોનાનું મંગળસૂત્ર, ૨૦ હજારની સોનાની બુટ્ટી, ૨૦ હજારની સોનાની વીંટી તેમજ ૧૫ હજાર રોકડ મળી કુલ રૃ.૧.૮૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ છે.
મોબાઈલ શોપમાં મોબાઈલ, લેપટોપ અને રોકડની ચોરી
કોઝી વિસ્તારના ગીતાંજલી કોમ્પ્લેક્ષમાં આવેલ ગુરુ મોબાઈલ શોપમાંથી તસ્કરો અલગ અલગ કંપનીના રૃ.૩,૨૭,૨૦૦ની કિંમતના ૩૯ મોબાઈલ, ૮ હજારની કિંમતનું લેપટોપ અને ૧૮ હજાર રોકડ મળી કુલ ૩,૫૩,૨૦૦નો મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયા છે.