Gujarat

પાલનપુરમાંથી મળેલી બાળકીના પ્રકરણમાં આખરે પોલીસને તપાસ સોંપાઈ

By GS Team
29 May 20202 mins read
This article was originally published on 29 May 2020
પાલનપુરમાંથી મળેલી બાળકીના પ્રકરણમાં આખરે પોલીસને તપાસ સોંપાઈ

પાલનપુર,તા.28 મે 2020, ગુરૂવાર

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના કુબેરનગરમાં રહેતા એક શખસ પાસેથી બે દિવસ અગાઉ ૧૫ દિવસની શંકાસ્પદ બાળકી મળી આવી હતી. જેને ૧૮૧ અભયમની ટીમ દ્વારા શિશુગૃહમાં મુકવામાં આવી હતી. આ જોકે બાળકીની તસ્કરી થઈ છે કે સોદાબાજી કરવામાં આવી છે તે દિશામાં તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી ન હોઈ અનેક તર્ક-વિતર્ક ઉઠવા પામ્યા હતા. આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગુરૃવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આ અંગે પોલીસને ઈન્કવાયરી સોંપવામાં આવી હતી. જેના પગલે માનવ તસ્કરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતાઓ છે.

પાલનપુરના કુબેરનગર વિસ્તારમાં રહેતા અને કડીયાકામ કરતા શખસે ૧૫ દિવસની બાળકીને છેલ્લા પખવાડીયાથી શંકાસ્પદ રીતે પોતાના ઘરે રાખી હતી. જે બાળકીને અન્ય પરિવારને આપવાની હતી. જોકે સોમવારે બપોરના સુમારે બાળકીને લેવા આવેલા પરિવારને આ શખસે બાળકી આપી ન હતી. આથી પરિવારે ૧૮૧ અભયમની ટીમને જાણ કરતાં કાઉન્સેલર જીનલબેન પરમારને આ શખસની હિલચાલ શંકાસ્પદ જણાતા સમગ્ર ઘટનામાં કંઈક અજુગતું થયું હોય તેવું લાગતાં તેની પાસેથી બાળકીનો કબજો લઈ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપવામાં આવી હતી. આ બાળકીની ત્સકરી થઈ છે કે સોદાબાજી કરવામાં આવી છે તે દિશામાં તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી ન હોઈ અનેક તર્ક-વિતર્ક ઉઠવા પામ્યા હતા. જેના સતત લોકમુખે ચર્ચાઓ થતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. અને ગુરૃવારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આ અંગે પોલીસને ઈન્કવાયરી સોંપવામાં આવી હતી. જેના પગલે માનવ તસ્કરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતાઓ છે.

આરોપીઓને કડક સજા કરાવીશું, બાળ સુરક્ષા અધિકારી

બાળ સુરક્ષા અધિકારી નરેશ મેણાતે જણાવ્યું હતું કે બાળ શિશુગૃહમાં સોંપવામાં આવેલી ૧૫ દિવસની બાળકીની તબિયત કેવી રહે છે તેની દેખરેખ બાદ હવે આ બાળકીને ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવી છે. બાળકીને ૧૫ દિવસુ સુધી ગોંધી રાખી કોને આપવાની હતી સહિતના મુદ્દે પોલીસને ઈન્કવાયરી સોંપવામાં આવી છે. તપાસના અંતે જે કોઈ આરોપીઓ નીકળશે તેમને કડક સજા કરાવીશું.

તપાસ માટે ઉચ્ચકક્ષાએથી અધિકારી દોડી આવ્યા

પાલનપુરમાં બાળકીને વેચવાનો મામલો સામે આવતા ઉચ્ચકક્ષાએથી અધિકારીઓ તપાસ અર્થે પાલનપુર શિશુગૃહ ખાતે દોડી આવ્યા હતા. અને સમગ્ર બનાવની પૂછપરછ કરી પોલીસને તપાસ સોંપવા લેખિત જાણ કરવામાં આવી હોવાનું શિશુગૃહના મેનેજર અરવિંદ પ્રજાપતિએ જણાવ્યું હતું.