પાલનપુરના ગઠામણમાં ભાઈ બહેનની બેલડી કોરોનાના સકંજામાં
- બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 10 પર પહોંચ્યોઃ પિતાના બેસણામાં સંક્રમણ ફેલાયો હતો
પાલનપુર, તા. 19 એપ્રિલ 2020, રવિવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં એક અઠવાડિયામાં પાલનપુર તાલુકાના ગઠામણમાં ૮ અને વાવ તાલુકામાં ૨ મળીને કોરોના વાયરસના કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે વાવના મીઠાવીચારણમાં કોરોનામાં સપડાયેલ બાળક સાત દિવસની સારવારના અંતે તંદુરસ્ત થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. તો પાલનપરના ગઠામણ કામે એક વૃધ્ધના બેસમામાં સંક્રમણ ફેલાવાના કારણે વધુ બે ભાઈ-બહેન કોરોનામાં સપડાતા ચકચાર મચી જવા પામી છે.
તીવ્ર ગતિએ વિશ્વભરમાં ફેલાઈ ચુકેલા કોરોના વાઈરસે પાલનપુર તાલુકાના નાના સરખા ગઠામણ ગામને જાણે બાનમાં લીધું હોય તેમ અહીં સાત દિવસમાં કોરોના પોઝિટિવના આઠ કેસ નોંધાતા લોકોમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ગઠામણમાં ગત સોમવારના રોજ કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો હતો. જે બાદ કોરોનાગ્રસ્ત આધેડના પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે ગામમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાને લઈ એક નાની બાળકી અને એક શ્રમિકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ગઠામણમાં કોરોનાનો આંક ૬ થયો હતો. જે બાદ રવિવારે વધુ બે કેસ નોંધાતા કોરોનાનો આંક ૮ થવા પામ્યો છે. જોકે ગામમાં તાજેતરમાં એક વધ્ધનું અવસાન થતા તેમના બેસણામાં આવેલ ગામના કોરોનાગ્રસ્ત જયંતીભાઈ નામના યુવકના સંક્રમણમાં આવવાના કારણે મૃતક વૃધ્ધનો ૩૫ વર્ષીય પુત્ર અને ૨૯ વર્ષીય પુત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા તેમને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ કોરોનાગ્રસ્ત પરિવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેને લઈ ગઠામણમાં એક સપ્તાહમાં જ કોરોના પોઝિટિવના ૮ કેસ નોંધાતા ગામલોકો ભયભીત થઈ ઉઠયા છે.