પાલનપુરમાં લોકડાઉન વચ્ચે બજાર માનવ મહેરામણથી ઉભરાયો
- મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટયાઃ બહાદુર ગંજ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ
પાલનપુર,તા.11 મે 2020, સોમવાર
પાલનપુરમાં કોરોના સંક્રમણને રોકવા માટે વેપારી એસોસિએશન દ્વારા મંગળવારથી રવિવાર સુધી કરીયાણા સહિતના વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ લોકો છ દિવસના બંધ પૂર્વે ખાદ્ય તેમજ જીવન જરૃરી ચીજવસ્તુની ખરીદી માટે સોમવારે બજારોમાં ઉમટી પડતા શહેરના વિવિધ વિસ્તારમાં વૈશાખી ખરીદીનો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
પાલનપુરમાં કોરોના વાઈરસને રોકવાના અભિયાનમાં તંત્રની સાથે વેપારીઓ પણ જોડાયા છે. જેમાં કરિયાણા, મોબાઈલ, સ્ટેશનરી, ઈલેક્ટ્રીક સહિતના વેપારીઓ દ્વારા આગામી તા.૧૨ થી ૧૭ મે સુધી સાતદિવસ વેપાર ધંધામાં સંપૂર્ણ બંધ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે લોકડાઉન વચ્ચે બજાર છ દિવસ સુધી સજ્જડ બંધ રહેવાની હોઈ લોકો બંધપૂર્વે ખાદ્ય તેમજ જીવન જરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે વહેલી સવારથી જ બજારોમાં ઉમટી પડતા વિવિધ જગ્યાએ લોકોની ભારે ભીડ જામતા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં શહેરના મિની શાકમાર્કેટ ગણાતા ખોડા લીમડા વિસ્તારની શાકભાજીની લારીઓને ત્રણબત્તીથી મીરા ગેટ સુધી ઉભી રાખવાની પરમિશન આપવામાં આવતા આ બહાદુર ગંજથી ટાવર ચોક સુધી મેળાનો માહોલ સર્જાયો હતો. જેને લઈ લોકોમાં કોરોનાનો ડર જોવા મળ્યો ના હતો.પાલનપુર એસપી તરણકુમાર સહિતના પોલીસસ્ટાફ દોડી આવ્યો હતો અને લોકોને ઘરે જવા સમજાવ્યા હતા. બપોર બાદ ફરી રસ્તા સૂમસામ બન્યા હતા. લોકો લોકડાઉનના અમલમાં જોડાયા હતા.